રાપર-આડેસર-અંજાર-ભચાઉમાં જુગારના ખેલીઓ પોલીસના સકંજામાં
રાપરમાં કાસમસા શેખના ઘર બહાર ચાલતા જુગારધામ પર દરોડોઃ ૩ ઝડપાયા, ૧ ફરાર
અંજારના શાંતિધામમાં બાવળની ઝાડીઓમાં ચાલતો જુગારધામ ખુલ્લો પડ્યોઃ ૪ જુગારીઓ રૂ. ૪૩,૫૦૦ સાથે ઝડપાયા : જુના કટારીયામાં મેલડી માતાજીના મંદિર પાસે જુગાર રમતા ૪ શખ્સો પકડાયા
ગાંધીધામ : રાપર શહેરના દુધડેરી વિસ્તારમાં કાસમસા શેખના ઘર બહાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાલી રહેલા જુગારધામ પર રાપર પોલીસે દરોડો પાડી ૩ જુગારીઓને રૂ. ૧૮,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
રાપર પોલીસના કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ ચૌહાણ અને ટીમે મળેલી ચોક્કસ માહિતી આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ફારૂકભાઇ હાજીભાઇ કુંભાર (ઉં.વ. ૨૩), ભરત નામેરી ધૈયડા (ઉં.વ. ૧૯) અને અલ્તાફ કાસમસા શેખ (ઉં.વ. ૧૯) જાહેરમાં પાના ટીચતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જ્યારે રફિક આમદશા શેખ નામનો શખ્સ અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩,૦૦૦ અને ૨ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૫,૦૦૦) મળી કુલ રૂ. ૧૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજીતરફ અંજાર તાલુકાના શાંતિધામ ક્રિષ્નાપાર્ક સોસાયટી પાસે આવેલી બાવળની ઝાડીઓમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર અંજાર પોલીસે દરોડો પાડી ૪ જુગારીઓને રૂ. ૪૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
અંજાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદિશભાઈ સોલંકી અને તેમની ટીમે શાંતિધામ વિસ્તારમાં આવેલી બાવળની ઝાડીઓમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન આલોકકુમાર હરેન્દ્ર પ્રસાદ (રહે. હરીઓમનગર), કલીમહુશેન અદીશ મીયા (રહે. ક્રિષ્ના સોસાયટી), મોહીત કમલેશભાઈ ગોસ્વામી (રહે. હરીઓમનગર) અને બળવંત વાશરામભાઈ ઠાકોર (રહે. ક્રિષ્નાપાર્ક) ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂ. ૧૫,૬૦૦ તથા રૂ. ૨૮,૦૦૦ની કિંમતના ૪ નંગ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આડેસર ગામના આહીર વાસ ચોરા પાસે જાહેર જગ્યામાં ધાણી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ૬ ઇસમોને આડેસર પોલીસે દરોડો પાડી રૂ. ૧૦,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
આડેસર પોલીસના હેડ કોન્સ્ટેબલ નરપતસિંહ વાઘેલાની આગેવાની હેઠળની ટીમે ચોક્કસ બાતમી આધારે આહીર વાસ ચોરા પાસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી નારણભાઇ લાલાભાઇ આહીર, અનીલભાઇ રમણીકલાલ ઠક્કર, રણછોડભાઇ કાનાભાઇ આહીર, જયેશભાઇ પ્રવિણભાઇ ઠક્કર, ધનજીભાઇ બાઉભાઇ પરમાર અને બબાભાઇ ભીમાભાઇ આહીરને ધાણી પાસા વડે રમતા ઝડપી લેવાયા હતા. આરોપીઓ પાસેથી અંગજડતીના રૂ. ૬,૯૦૦ અને પટમાંથી રૂ. ૩,૩૦૦ મળી કુલ રૂ. ૧૦,૨૦૦ જપ્ત કરાયા છે.
તો વળી ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે ક્રિષ્નાનગરમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે શેરીમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર લાકડીયા પોલીસે દરોડો પાડી ૪ શખ્સોને રોકડા રૂ. ૨,૨૨૦ સાથે ઝડપી લીધા છે.લાકડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ઝાલાની ટીમે બાતમી આધારે દરોડો પાડીને અરવિંદભાઇ માનસંગભાઇ કોલી, સચીન જેરામભાઇ કોલી, શૈલેષ રૂપાભાઇ કોલી અને રવિદાન મહેશદાન ગઢવીને જાહેરમાં પાના ટીચતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
.....

Comments