અમદાવાદ મંડળ દ્વારા ટ્રેનોમાં સઘન પેસ્ટ અને રોડન્ટ કન્ટ્રોલ અભિયાન શરૂ
ચોમાસા દરમિયાન ટ્રેનોમાં સફાઈ અને હાઈજીન વ્યવસ્થાને ઉત્તમ બનાવવાની દિશામાં વિશેષ પહેલ
અમદાવાદ-કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓને સ્વચ્છ, સુરક્ષિત અને ઉત્તમ યાત્રાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી ટ્રેનોમાં પેસ્ટ અને રોડન્ટ કંટ્રોલ (પીઆરસી) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ સહિત અમદાવાદ મંડળની અન્ય પેસેન્જર ટ્રેનોમાં પણ નિર્ધારિત જાળવણી દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં ટ્રેન નંબર ૧૨૯૫૭ સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં આ વિશેષ અભિયાન ૨૩ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવ્યું છે.
ચોમાસા દરમિયાન વંદા, ઉંદર અને અન્ય જીવાતોની સમસ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ અભિયાન સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં ટ્રેનની નિર્ધારિત જાળવણી દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રેનમાં વંદા, ઉંદર અને અન્ય જીવાતોની સમસ્યાને શરૂઆતના સ્તરે જ નિયંત્રિત કરવાનો અને યાત્રીઓ માટે સ્વચ્છ તથા હાઇજીનિક વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.
અભિયાન હેઠળ ટ્રેનના દરેક કોચનું ગહન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોચમાં એવી જગ્યાઓની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં વંદા કે અન્ય જીવાત સંતાઈ શકે છે અથવા તેમના ઉપદ્રવની સંભાવના હોઈ શકે છે. આવી જગ્યાઓ પર જરૂરિયાત મુજબ સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને સ્પ્રે કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે નિર્ધારિત ધોરણો અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર ’ટેમ્પ્રીડ એસસી ઇન્સેક્ટીસાઇડ સ્પ્રે’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અભિયાન દરમિયાન ટ્રીટમેન્ટ કરાયેલી જગ્યાઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત જણાય તો રી-ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી રહી છે, જેથી ટ્રેનોમાં લાંબા સમય સુધી અસરકારક પેસ્ટ કંટ્રોલ સુનિશ્ચિત કરી શકાય. અમદાવાદ મંડળની અન્ય પેસેન્જર ટ્રેનોમાં પણ પેસ્ટ અને રોડન્ટ કંટ્રોલની પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવી રહી છે. નિર્ધારિત મેઇન્ટેનન્સ દરમિયાન ટ્રેનોમાં ઇન્સ્પેક્શન, ટ્રીટમેન્ટ અને મોનિટરિંગ દ્વારા જીવાત અને ઉંદરોની સંભાવના ધરાવતી સમસ્યાને રોકવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશએ જણાવ્યું કે, “ટ્રેનોમાં યાત્રીઓને સ્વચ્છ, સુરક્ષિત અને શ્રેષ્ઠ યાત્રાનો અનુભવ પૂરો પાડવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. ચોમાસા દરમિયાન વંદા, ઉંદર અને અન્ય જીવાતોની સમસ્યાને રોકવા માટે વિશેષ મોનિટરિંગ અને સમયસર નિયંત્રણના પગલાં લેવા આવશ્યક છે. સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં શરૂ કરાયેલું આ વિશેષ પીઆરસી અભિયાન આ દિશામાં એક મહત્વપૂર્ણ અગમચેતીનું પગલું છે. ટ્રેનની નિર્ધારિત જાળવણી દરમિયાન સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત તમામ નિર્ધારિત ધોરણોનું અસરકારક રીતે પાલન સુનિશ્ચિત થાય તેવો અમારો પ્રયાસ છે. આ જ રીતે અન્ય પેસેન્જર ટ્રેનોમાં પણ પેસ્ટ અને રોડન્ટ કંટ્રોલની પ્રવૃત્તિઓ અસરકારક રીતે ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી યાત્રીઓને સ્વચ્છ અને ઉત્તમ યાત્રાનો અનુભવ મળી શકે.” અમદાવાદ મંડળ યાત્રીઓ માટે ટ્રેનોમાં સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક યાત્રાનું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
----------

Comments