કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે ‘સાંપ્રત સમયની માંગ : માતૃત્વ, નેતૃત્વ અને કર્તુત્વ’ વિષય પર વક્તવ્ય યોજાયું
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર-કન્યા સંસ્કારધામ ખાતે તાજેતરમાં ‘સાંપ્રત સમયની માંગઃ માતૃત્વ, નેતૃત્વ અને કર્તુત્વ’ વિષય પર ભુજના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને વક્તા નૈષધભાઈ મકવાણાનું વિશેષ વક્તવ્ય યોજાયું હતું.
વક્તાએ દીકરીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજના જેન-જી યુગમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ ક્રમશઃ ઘટી રહ્યું છે ત્યારે જીવનને સમૃદ્ધ બનાવવા માટે વાંચન સંસ્કૃતિ પુનઃ વેગવંતી બનાવવી ખૂબ જ આવશ્યક છે. કાર્યક્રમ દરમ્યાન તેમણે પોતાના વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૪ના કાર્યકાળની યાદો તાજી કરી હતી અને ખાસ કરીને ૨૦૦૧ના વિનાશક ભૂકંપની વિકટ પરિસ્થિતિમાં કરેલા કાર્યોના અનુભવો વાગોળી મુશ્કેલ સમયમાં અડગ રહેવાની પ્રેરણા આપી હતી તેમજ પર્યાવરણ સુરક્ષાની અનિવાર્યતા પર ભાર મૂકવાની સાથે માતૃત્વનું ગૌરવ અને બાળકના જીવનમાં પ્રથમ ગુરુ તરીકે માતાની ભૂમિકા વિશે સુંદર પ્રકાશ પાડ્યો હતો. આજના આધુનિક યુગમાં મહિલાઓ માત્ર સહભાગી ન રહેતા કેવી રીતે નેતૃત્વ સંભાળે, આગળ વધીને અગ્રેસર બને અને પોતાના કર્તૃત્વના બળે સમાજ તેમજ રાષ્ટ્રના ઘડતરમાં સાચા નાગરિક તરીકે ઉત્તમ ફરજ બજાવે તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શક વક્તવ્યથી ઉપસ્થિત દીકરીઓમાં એક નવો ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો.
આ પ્રસંગે સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા, પૂર્વ પ્રમુખ આર.આર.પટેલ, ડીઈઓ કચેરી તરફથી ઈઆઈ પી.જી. ઝાલા અને મહેશદાન ગઢવી, મનહરભાઈ શાહ, જોરૂભા ખાચર, આર.એસ. હિરાણી, અરજણભાઈ પિંડોરિયા, કેસરાભાઈ પિંડોરિયા, જયંતભાઈ પાઠક, રસિકભાઈ વેલાણી, કાન્તાબેન વેકરીયા, કસ્તુરબેન ગોરસીયા, પૂર્વ આચાર્ય લોપાબેન મહેતા, ગૃહમાતા તથા આચાર્ય સહિત શ્રેષ્ઠીઓ અને ગુરૂજનો ઉપસ્થિત રહ્યા હતા. સંગીતવૃંદ દ્વારા મધુર સુગમ ગીતની પ્રસ્તુતિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
-----

Comments