ઘાટકોપરના વૃદ્ધ કચ્છી વેપારી સાથે ૭ લાખની છેતરપિંડી
એફડીના નામે બોગસ રસીદ પધરાવી બૅન્ક કર્મચારી ફરાર : ઊંચા વ્યાજની લાલચ આપી રોકડ રકમ મેળવ્યા બાદ બનાવટી પહોંચ આપી ઠગાઈ આચરી : પંતનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી
મુંબઈ : અહીંના ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં આવેલા સંત જ્ઞાનેશ્વરનગરમાં વસવાટ કરતા ૭૨ વર્ષીય કચ્છી વેપારી સાથે ફિક્સ્ડ ડિપોઝિટમાં વધારે વ્યાજ અપાવાની જાળમાં ફસાવી સાત લાખ રૂપિયાની ચોંકાવનારી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક જાણીતી સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કના જ કર્મચારીએ સિનિયર સિટિઝન દંપતીને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લીધા હતા અને તેની સામે બનાવટી રસીદ પધરાવીને પોતાના વતન ભાગી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પંતનગર પોલીસે આરોપી કર્મચારી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદી યુવકે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઘાટકોપર સ્થિત સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કમાં પોતાની ડિપોઝિટ કરાવી હતી. ત્યારબાદ બૅન્કના નિયમોનું બહાનું બનાવીને એક કર્મચારી તેમના ઘરે પહોંચ્યો હતો અને પરિવારના અન્ય સભ્યો માટે પણ રોકાણ કરવાની યોજનાઓ જણાવી હતી. ફરિયાદીએ પોતાના સાસુ-સસરા વરિષ્ઠ નાગરિક હોવાથી તેમના નામે નાણાં રોકવા સંમતિ દર્શાવી હતી. શરૂઆતમાં આરોપીએ પચાસ-પચાસ હજારના બે ચેક મેળવ્યા હતા અને ત્યારબાદ રોકડમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થશે તેવી લાલચ આપીને અલગ-અલગ તબક્કામાં કુલ સાત લાખ રૂપિયા રોકડા મેળવી લીધા હતા. નાણાં લીધા બાદ આરોપીએ પરિવારને બૅન્કના નામે બનાવટી અને નકલી ડિપોઝિટ રસીદો આપી હતી. થોડા દિવસો બાદ જ્યારે ફરિયાદીના જમાઈએ બૅન્કની મોબાઈલ એપ્લિકેશનમાં લોગઇન કરીને તપાસ કરી ત્યારે તેમાં જમા થયેલી રકમ દર્શાવતી નહોતી. શંકા જતાં તેમણે બૅન્કની શાખામાં જઈને મૅનેજરનો સંપર્ક સાધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કર્મચારીએ માત્ર ચેકની રકમ જ ખાતામાં જમા કરાવી હતી, જ્યારે સાત લાખ રૂપિયાની રોકડ રકમ બૅન્કમાં જમા કરાવ્યા વિના જ પોતે ઓળવી ગયો હતો. પોતાની કૌભાંડલીલા બહાર આવતાં જ આરોપી કર્મચારી બૅન્ક અને સિટીમાંથી ફરાર થઈ ગયો હતો, જેથી પીડિત પરિવારે અંતે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.
--------

Comments