લાલન કોલેજ ખાતે કારકિર્દી સત્ર યોજાયો
ભુજ - કચ્છઉદય : અહીંની રામજીરવજી લાલન કૉલેજના કારકિર્દી માર્ગદર્શન સેલ તથા અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન સેટલમેન્ટ્સ યુનિવર્સિટી સાથેના સહયોગથી ‘ટકાઉ વિકાસ, પર્યાવરણ, માનવ વિકાસ અને શહેરી વસવાટના અભ્યાસ ક્ષેત્રે કારકિર્દી અને ઉચ્ચ શિક્ષણની તકો’ - આ વિષય પર કારકિર્દી ઓરિએન્ટેશન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભવિષ્યને આકાર આપતા આંતરશાખાકીય અભ્યાસક્ષેત્રો, કારકિર્દીની સંભાવનાઓ તથા ઉચ્ચ શિક્ષણની નવી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ખાસ કરીને ટકાઉ વિકાસ, ક્લાઇમેટ ચેન્જ, માનવ વિકાસ, શહેરી અભ્યાસ, અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ પરંપરાગત વિષયોની બહાર ઊભરી રહેલા આંતરશાખાકીય ક્ષેત્રો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવાનો તથા તેમની કારકિર્દી પસંદગી માટે નવા વિકલ્પો ઉપલબ્ધ કરાવવાનો હતો. નિષ્ણાત તરીકે આઈઆઈએચએસ યુનિવર્સિટીના ડો. સુમન ચેટરજી રહ્યા હતા. સંવાદ સાધવાના સ્વરૂપે યોજાયેલ આ સેશનમાં તેમણે વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની કેટલીક મોઢું ફાડીને વૈશ્વિક સ્તરે અસરકર્તા સમસ્યાઓ વિષે અવગત કરાવ્યા હતા. યુનાઈટેડ નેશન્સને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે ૨૦૫૦ ના વર્ષ સુધી અંદાજિત ૬૮ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરશે, પરંતુ આપણાં શહેરો આ માટે તૈયાર નથી. ભારતમાં જ ૪૧ થી ૪૨ કરોડ લોકો શહેરી વસ્તીમાં ઉમેરાય તેવી સંભાવના છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટેનાં ડેટા સેન્ટર માટે પાણીનો વપરાશ વગેરે જેવા મુદ્દાઓના ઉદાહરણથી પણ વૈશ્વિક સમસ્યાઓ અને ટકાઉ વિકાસના પડકારને સંબોધન કરવામાં આવ્યું હતું. આવા વૈશ્વિક પ્રશ્નોનો આંતરશાખાકીય અભિગમથી અભ્યાસ કરી વિશ્વની સમસ્યાઓને હળવી બનાવવા માટે સજ્જતા કેળવવાનો ઉદ્દેશ સાથે આઈઆઈએચએસ યુનિવર્સિટી કાર્ય કરતી હોવાનું જણાવ્યું હતું. સેશનના અંતે પ્રશ્નોત્તરી અને વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરાયું હતું.
આઈઆઈએચએસ તરફથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ફેકલ્ટીને અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા તેમજ નાણાકીય સહાય અને શિષ્યવૃત્તિ અંગે વધુ માહિતી ઉપલબ્ધ કરાવવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે પરસ્પર રસના ક્ષેત્રોમાં ભાવિ સહયોગની સંભાવનાઓ અંગે પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના આયોજન માટે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. મનોજ છાયા, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. રમેશ વરચંદ, કારકિર્દી માર્ગદર્શન સેલના અધ્યક્ષ ડો. ભાવેશ ભટ્ટે જહેમત ઉઠાવી હતી, તથા અધ્યાપકો ડો. રાધેશ્યામ છાંગા, ડો. હેતલ મેરિયા અને ડો. કૌસ્તુભ મિશ્રાએ સહયોગ આપ્યો હતો. આઈ.આઈ.એચ.એસ. યુનિવર્સિટીવતીથી ડો. કેશા મારવાડાએ સંયોજન કર્યું હતું. સંચાલન હાર્દિક જેપારે તેમજ મંચ વ્યવસ્થા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંભાળી હતી.
----

Comments