મહેશ્વરી સમાજ સહિતના લોકો પીડિત પરિવારના સમર્થનમાં ઊમટ્યા : નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પરિવારની માંગ : સુંદરપુરીના યુવાનના મોત મામલે વિરોધ પ્રદર્શન; તંત્રની કાર્યવાહી પર સૌની નજર
૫૦૦થી વધુ લોકો રેલીમાં જોડાયા : “બંધ કરો... બંધ કરો... સ્ટર્લિંગ હોસ્પિટલ બંધ કરો”ના નારાથી ગુંજ્યું હોસ્પિટલ પરિસર : સામાન્ય બીમારીમાં મોત થયાના પરિવારના આક્ષેપ બાદ ન્યાયની માંગ સાથે ગાંધીધામમાં વિરોધ પ્રદર્શન
હું કંઈ પણ કહેવા અસક્ષમ છુ, હાલતુરંત વાત નહી કરી શકુ : અલ્પેશભાઈ દવે(સ્ટર્લીંગ હોસ્પિટલ, ગાંધીધામ)
તપાસ અને જવાબદારી અંગેના મુખ્ય સવાલો
• સામાન્ય લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીની સારવાર પ્રક્રિયા અને નિદાનમાં ક્યાં ચૂક થઈ? • કયા કારણોસર અને કયા ઓપરેશન કરવામાં આવ્યા હતા તેનો સંપૂર્ણ તબીબી રેકોર્ડ શું કહે છે? • ખાનગી હોસ્પિટલોની સારવાર અને વ્યવસ્થા પર આરોગ્ય તંત્રની નિયમિત દેખરેખ અને કાર્યવાહી કેમ અસરકારક દેખાતી નથી?
ગાંધીધામઃ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જૂની સુંદરપુરીના ૨૫ વર્ષીય ભરત જેઠાભાઈ પાતરિયાનું અવસાન થતાં મામલો ગરમાયો છે. આ મામલે સમસ્ત ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલના તબીબો અને મેનેજમેન્ટની કથિત બેદરકારીના આક્ષેપો કરી જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
સમાજના પ્રમુખ અને મહામંત્રી દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ભરત પાતરિયાની એન્ડોસ્કોપી અને એન્જિયોગ્રાફી સહિતની સારવાર બાદ તેમની તબિયત ગંભીર બની હતી. પરિવારને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. જોકે,
પરિવારનો આક્ષેપ છે કે બિલની ચુકવણી કર્યા બાદ પણ દર્દીને ખસેડવાની પ્રક્રિયામાં બે-ત્રણ કલાક સુધી વિલંબ થયો હતો તેમજ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી હતી.
સમાજે સંબંધિત તબીબો ડૉ. અદિત જોટા અને ડૉ. ઉદિત રાવલ દ્વારા કરવામાં આવેલી સારવાર અને ઓપરેશનની સંપૂર્ણ વિગતો, દર્દીને કઈ બીમારી હતી તેની માહિતી તેમજ ઓપરેશનની વીડિયોગ્રાફી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે જ હોસ્પિટલના મેનેજમેન્ટની ભૂમિકાની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
સ્ટર્લીંગ ગાંધીધામ હોસ્પિટલ વતીથી અલ્પેશભાઈની સાથે વાતચીત કરતા તેઓએ ક્હયુ હતુ કે, અન્ય કોઈ અગત્યની બેઠકમા તે રોકાયેલા છે, અને વાત કરવાની અસક્ષમતા દર્શાવી હતી.
..........
સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ : ‘નામ બડે ઔર દર્શન ખોટે’; સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે ઉઠ્યા ગંભીર સવાલો
સામાન્ય ઉધરસ-ખાંસીની ફરિયાદ સાથે દાખલ થયેલા યુવાનના મોત બાદ હોસ્પિટલની કામગીરી સામે રોષ : કયા કારણોસર અને કયા ઓપરેશન કરવામાં આવ્યા? પરિવાર અને જાગૃત નાગરિકોમાં ઉઠ્યા તીક્ષ્ણ સવાલો : હોસ્પિટલની વ્યવસ્થા અને જવાબદારી સામે સવાલ; તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં નારાજગીગાંધીધામઃ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલની કાર્યપદ્ધતિ અને સારવાર વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર આક્ષેપો અને સવાલો ઊભા થયા છે. માત્ર ઉધરસ-ખાંસી જેવી સામાન્ય ફરિયાદ સાથે દાખલ થયેલા યુવાનનું મોત નીપજતા હોસ્પિટલની કામગીરી સામે “નામ બડે ઔર દર્શન ખોટે” જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી વિગતો અને ઉઠી રહેલા સવાલો મુજબ, સામાન્ય તકલીફ સાથે સારવાર હેઠળ ખસેડાયેલા યુવાનને એવી કઈ સારવાર આપવામાં આવી કે તેનો જીવ ગયો? ઉપરાંત, કયા કારણસર અને કયા ઓપરેશન કરવામાં આવ્યા હતા, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. આ ઘટના બાદ હોસ્પિટલમાં ચાલતી કામગીરી અને વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. આવી ગંભીર બાબતોમાં જવાબદારી કોની નક્કી થશે અને સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક તપાસ કે દેખરેખ રાખવામાં આવે છે કે કેમ, તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.