અમેરિકામાં વસતા મૂળ મુન્દ્રાના માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવારની ભુજના ‘મા-બાપનું ઘર’ આશ્રમની મુલાકાત
ભુજ-કચ્છઉદય : સમાજમાં જેમનો કોઈ સહારો નથી તેવા નિરાધાર અને નિઃસહાય લોકો માટે આશ્રયસ્થાન બનેલા ભુજના ‘મા-બાપનું ઘર’ આશ્રમની મૂળ મુન્દ્રાના વતની અને હાલ અમેરિકામાં વસતા માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવારે મુલાકાત લઈ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત આ આશ્રમમાં માનસિક બીમારીથી પીડિત, નિરાધાર અને રસ્તા પર જીવન વિતાવતા લોકોને રહેવા, જમવા, સારવાર અને સંભાળની સુવિધા આપવામાં આવે છે. મુલાકાત દરમિયાન દેઢિયા પરિવારે આશ્રિતો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સંસ્થાના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા પરિવારનું સ્વાગત કરી આશ્રમની કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આશ્રમમાં આશ્રિતોની સંભાળ માટે કાર્યરત કર્મચારીઓ સાથે પણ પરિવારે ચર્ચા કરી હતી. નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી આ સેવાથી પ્રભાવિત થઈ માયાબેન દેઢિયા પરિવારે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. જરૂરિયાતમંદ લોકોને સન્માનભર્યું જીવન મળે તે માટે સંસ્થા જે પ્રયાસો કરી રહી છે તે સરાહનીય હોવાનું જણાવી ભવિષ્યમાં વિવિધ સેવાકીય કાર્યોમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે ‘જીવો અને જીવવા દો’ના જૈન ધર્મના સિદ્ધાંતને યાદ કરી જીવદયા, કરુણા અને પરોપકારને સાચી ધર્મસાધના ગણાવવામાં આવ્યા હતા. માનવતાના ભાવ સાથે જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ પ્રભુસેવા હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન માયાબેન સાથે કિરણભાઈ ગોસ્વામી અને ધવલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા વતી હર્ષાબેન સુથાર, રિંકુબેન જણસારી, ક્રિષ્નાબેન આહીર, રામજીભાઈ ગરબા અને કલ્પેશભાઈ પટેલ સહિતના કાર્યકરોએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.