ગ્રામજનોને કાનૂની માર્ગદર્શન અને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મદદરૂપ બનશે
ભુજ-કચ્છઉદય : ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળતાથી કાનૂની માર્ગદર્શન અને સહાય મળી રહે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજ દ્વારા રાપર તાલુકાના પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના મુજબ યોજાયેલા મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત તા. ૨૧ નવેમ્બરના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અમિત એમ. પાટડીયાના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ કેન્દ્રનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને કાનૂની સેવાઓ વચ્ચે સેતુરૂપ બની લોકોને તેમના કાનૂની અધિકારો, સરકારી કલ્યાણકારી યોજનાઓ તેમજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ યોજનાઓ અંગે જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. કેન્દ્રની કામગીરી રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના પેરા લીગલ વોલેન્ટિયર નવીનભાઈ પરમાર દ્વારા સંભાળવામાં આવશે. જેથી ગ્રામજનોને કાનૂની પ્રશ્નો અને મુશ્કેલીઓના નિરાકરણ માટે સ્થાનિક સ્તરે માર્ગદર્શન મળી શકશે.ઉદ્ઘાટન પ્રસંગે અમિત પાટડીયાએ ગ્રામજનોને સંબોધિત કરી મેગા ડ્રાઇવ અભિયાન, કાનૂની જાગૃતિ અને કાનૂની સહાય કેન્દ્રની ઉપયોગિતા અંગે સમજણ આપી હતી. કાનૂની સેવાઓથી વંચિત ન રહે અને જરૂરિયાતમંદ લોકો સુધી યોગ્ય માર્ગદર્શન પહોંચે તેવા પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ઇસાર સંસ્થાનાં સેજલબેન જોશી, ગામના તલાટી શૈલેશભાઈ ચૌધરી, રાપર આરોગ્ય વિભાગના ડૉ. કેતન શર્મા, નામેરીભાઈ પરમાર, પૂર્વ સરપંચ દેવરાજભાઈ ચામરિયા, આરોગ્ય કાર્યકર ભાવનાબેન, અલીમામદ હિંગોરજા, રાપર કોર્ટના ક્લાર્ક સુરેશભાઈ મકવાણા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વરિષ્ઠ ક્લાર્ક એસ.એ. ચૌધરી તથા હરપાલસિંહ દયાતર સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.