ભુજ - કચ્છઉદય : કચ્છ ઇતિહાસ પરિષદના આજીવન સભ્યોનું સ્નેહમિલન પ્રમુખ નરેન્દ્રભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને સંસ્થાના કાર્યાલય દરબારગઢ ખાતે યોજાઈ હતું, જેમાં ૪૦ સભ્યોની હાજરી હતી. શરૂઆતમાં મહામંત્રી પ્રમોદભાઈ જેઠીએ સર્વેને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. નવો વર્ષ સભ્યોને સુખદાયી અને આનંદદાયી નિવડે એવી શુભકામના સાથે આવકાર્યા હતા. બાદમાં ઉપપ્રમુખ શ્રી કિરીટસિંહ જાડેજાએ સંસ્થાને વેગવંતી બનાવવા માટે તેમજ સર્વ ધર્મને સાથે રાખી સંશોધન કાર્ય થાય એવી ભાવના વ્યક્ત કરી હતી. કચ્છમાં ઘણા વિરલાઓ થઈ ગયા આ વિરલાઓ વિશે સંશોધન કરવાની જરૂરત છે. ડો.ભૂડીયાએ નવાવર્ષની શુભકામના પાઠવીને જણાવ્યું કે ઐતિહાસિક સ્મારકોના રખ રખાવ માટે સંસ્થાની કમિટી પુરાતત્વ ખાતા પાસે રૂબરૂ રજૂઆત કરવી જોઈએ. સંસ્થાના સંશોધન પ્રવાસમાં પુરાતત્વખાતાના અધિકારીને સાથે રાખવા જેથી માહિતીનું આદાન - પ્રદાન થઈ શકે.
બાપાલાલ જાડેજાએ જુના સ્મરણો યાદ કરી સંસ્થાની પ્રગતિ થાય એવી ભાવના વ્યક્ત કરી હતી શુભેચ્છાઓ પાઠવી હતી. વિણાબેન મહેતાએ કાવ્ય રજૂ કરી નવાવર્ષની શુભેચ્છાઓ આપી હતી. નલિયાના રતનસિંહ પાચુભા અબડાએ પોતાની લાક્ષણિક અદામાં કચ્છી સંગર તથા કચ્છી દુહાઓ રજૂ કરી સર્વે સભ્યોને નવા વર્ષના સાલ મુબારક કર્યા હતા. મામૈદેવની જગ્યા ઇન્દ્રિછેલો પાસે આવેલ શિલાલેખ વંચાણ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નટુભાઈ વ્યાસે પોતાના પુરાતત્વ ખાતાના ફોટોગ્રાફી તરીકે કરેલા કાર્યોની સમીક્ષા કરી સંસ્થાના લોકોને અવગત કર્યા હતા. મંત્રી વનરાજસિંહ જાડેજાએ સર્વેને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વીણાબેન મહેતાની કવિતા પર જણાવ્યું કે આપણો વારસો, આપણી સંસ્કૃતિ, સમગ્ર વિશ્વ જે આદર્શો માટે ગર્વ અનુભવે છે તે ભારતના ત્રેતાયુગીન ઐતિહાસિક શોર્ય, સમર્પણ, ત્યાગ, ભક્તિ સમરસતા, સદભાવ, સંશોધન, વચન પ્રજાપ્રેમ તેમજ અનેકાનેક ઉચ્ચ માનવીય જીવન મૂલ્યો આપનાર ભારતના આ દિવ્ય સાંસ્કૃતિક વારસાની હાલમાં ધર્મનગરી અયોધ્યામાં દીપોત્સવ વખતે પ્રદર્શિત થયેલ જીવંત ઝાંકીઓ પ્રત્યેક ઇતિહાસ પ્રેમીઓના હૃદયને આલોકિત અને ભાવવિભોર કરી આપે છે. તેમજ ગૌરવાન્વિત વારસો, સંસ્કૃતિ, ઈતિહાસ અને સંશોધન માટે નવું પાથેય પુરૂં પાડે છે.
કિશોરભાઈ સાયાએ કહ્યું કે સંસ્થા દ્વારા થતા સંશોધન પ્રવાસો ફક્ત પ્રવાસો જ ન રહેતા તે જગ્યાને ઉજાગર કરવા સંસ્થાએ પ્રયત્નો કરવા જોઈએ. અંતમાં પ્રમુખ નરેન્દ્રભાઈ વ્યાસે સંસ્થાના પેન્ડિંગ કાર્યોની સમસ્યાની સમીક્ષા કરી અને તાત્કાલિક ચાલુ વર્ષમાં અધૂરા કામો પૂર્ણ કરી આવતા વર્ષે આવતો સંસ્થાનો સ્થાપના દિન માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવશે એવું જણાવ્યું હતું. સંસ્થાના ઓડિટ હિસાબો તથા ફેરફાર રિપોર્ટોની કાર્યવાહી માં ગતિ લાવવા સૂચન કરેલ હતું. સહખજાનચી દિલીપભાઈ આચાર્યે આભારવિધિ કરી જણાવ્યું કે, મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજા તથા મહારાણી પ્રીતિદેવીબા સાહેબે સંસ્થાને કાર્યાલય માટે જે જગ્યા ફાળવી છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્નેહમિલનમાં પધારેલા સર્વે સભ્યોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મિટિંગમાં રશ્મિકાત છાયા, લાભશંકર સોમપુરા, જેબી જાડેજા, કોકીલાબેન મહેતા, જ્યોતિ કોઠારી, ગોવિંદ મહેશ્વરી, અબ્દુલ જુમાણી, એમ.આઈ. બારડ, શાંતીલાલ વરૂ તથા એ.કે. શેખ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખજાનચી સહદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ અર્જુનસિંહ જાડેજા, કારોબારી સભ્ય પ્રતાપભાઇ રૂપારેલ તથા સહમંત્રી કનૈયાલાલ અબોટી, ભૂપેન્દ્ર મહેતા, મદનભાઈ ભટે વ્યવસ્થા સંભાળી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.