પ્લેટફોર્મ નંબર ૪થી ૭ વિશ્વસ્તરીય કૉન્કોર્સ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે : ડીઆરએમ વેદ પ્રકાશે સતત ૩૬ કલાક સુધી સ્થળ પર રહી નિર્માણકાર્યોની સમીક્ષા કરી
અમદાવાદ - કચ્છઉદય : અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસની કામગીરીને ઝડપી બનાવવા રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪, ૫, ૬ અને ૭ને આગામી ૧૨૦ દિવસમાં આધુનિક સુવિધાઓ તથા વિશ્વસ્તરીય કૉન્કોર્સ સાથે નવા સ્વરૂપમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશે રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ (આરએલડીએ), રેલવેના વિવિધ વિભાગોના અધિકારીઓ અને નિર્માણ એજન્સીના અધિકારીઓ સાથે સ્થળ પર સતત ૩૬ કલાક સુધી મેરેથોન બેઠકો યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.આ સમીક્ષા દરમિયાન બાંધકામની પ્રગતિ, ટેકનિકલ મુશ્કેલીઓ, મજૂરો અને મશીનરીની ઉપલબ્ધતા, નિર્માણ સામગ્રીના પુરવઠા તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાયાના બાંધકામથી લઈને કૉન્કોર્સના નિર્માણ સુધીનાં તમામ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.આ યોજનાના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર ૪/૫ અને ૬/૭ માટે કુલ ૪૫૭ પાઇલ, ૧૦૮ પાઇલ કેપ અને ૨૧૩ પેડેસ્ટલ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત આશરે ૬,૪૦૦ મેટ્રિક ટન માળખાકીય સ્ટીલનું જોડાણ અને સ્થાપન કરવામાં આવશે. આ બાંધકામ આધુનિક કૉન્કોર્સ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે પાયારૂપ બનશે. નિર્માણકાર્યોમાં પાઇલ ફાઉન્ડેશન, પાઇલ કેપ, પેડેસ્ટલ, બેલાસ્ટ વિનાના રેલવે પાટા (બીએલટી) અને કૉન્કોર્સના માળખાકીય કામોને પ્રાથમિકતા આપવા ડીઆરએમ દ્વારા ભાર મૂકાયો હતો. દરેક તબક્કા માટે સૂક્ષ્મ આયોજન કરી પૂરતા પ્રમાણમાં માનવબળ, મશીનરી અને બાંધકામ સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના અપાઈ હતી.અમદાવાદ રેલવે સ્ટેશન અત્યંત વ્યસ્ત કેન્દ્ર હોવાથી બાંધકામ દરમિયાન રેલવે વ્યવહાર અને મુસાફરોની અવરજવરને અસર ન થાય તે બાબત પણ પડકારરૂપ છે. આથી ટ્રાફિક અને વીજળીના બ્લોકનું આયોજન, બાંધકામ સામગ્રીની હેરફેર, જૂનાં માળખાં દૂર કરવા તથા જરૂરી સેવાઓનાં સ્થળાંતર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી જાળવીને કામગીરી ઝડપથી આગળ વધારવા સંબંધિત વિભાગોને સંકલન સાથે કામ કરવા જણાવાયું હતું.
ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ ભારતીય રેલવેની મહત્વપૂર્ણ માળખાકીય યોજનાઓમાંનો એક છે. મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને સુગમ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્લેટફોર્મ નંબર ૪થી ૭ના પુનર્વિકાસનું કામ ૧૨૦ દિવસની સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ વિભાગો અને નિર્માણ એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરવાની રહેશે. બાંધકામની ગુણવત્તા, સલામતીના માપદંડો અને સમયબદ્ધ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પણ તેમણે ભાર મૂક્યો હતો. આ પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ અમદાવાદ રેલવે સ્ટેશન આધુનિક કૉન્કોર્સ, અદ્યતન મુસાફર સુવિધાઓ અને વિશ્વસ્તરીય માળખાકીય સવલતો સાથે નવા રંગરૂપમાં જોવા મળશે, જેના પરિણામે મુસાફરોને વધુ સુવિધાજનક અને સારો મુસાફરીનો અનુભવ મળી શકશે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.