ભુજમાં ખાવડા રોડ પર કારની ટક્કરે યુવકનો જીવ ગયો
ભુજ - કચ્છઉદય : મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત થયું હતું જયારે ભુજમાં ખાવડા રોડ પર કારની ટક્કરે યુવકનો જીવ ગયો હતો. આ મામલે જાણવા મળતી વિગતો મુજબ મુંદરામાં ટોડા ફાટક પાસે ગોલ્ડન પંજાબ હોટલની સામે ભોરારા પાટીયાથી પ્રાગપર ચોકડી જતા રસ્તા પર આ બનાવ બન્યો હતો. ભોરારાના સોઢા કેમ્પમાં રહેતા બહાદુરસિંહ જોરૂભા સોઢાના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ ૩૬ વર્ષિય રઘુવીરસિંહ જોરૂભા સોઢા રોડના કટમાંથી પ્રાગપર ચોકડી તરફ રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે પોતાની બોલેરો પુરઝડપે ચલાવી હતભાગીને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. જે અંગે મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમ્યાન ભુજ - ખાવડા રોડ પર કાઠીયાવાડી હોટલની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી મુળ બિહારના હાલે ભુજમાં લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતા મહમદ હુસેન મહમદ લતીફ અંસારીના જણાવ્યા પ્રમાણે ભુજ - ખાવડા રોડ પર કાઠીયાવાડી હોટલ પાસે તેમની ટાયર પંચરની દુકાન આવેલી છે. ત્યાં તેઓ દિકરા ફૈઝાનને ટીફીન આપવા માટે ગયા ત્યારે પાછળથી બોલેરો નીયો કાર નંબર જી.જે. ૧ર સીટી ૪૦૧૭ ના ચાલકે પુરઝડપે આવી ફરિયાદીની બાઈક નંબર જી.જે. ૧ર એચ.કે. ૧૭૧૩ ને ટક્કર મારતા ફરિયાદીને ઈજાઓ થઈ હતી. જયારે પાછળ બેઠેલા જમાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. બનાવ અંગે ભુજ બી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.