કેન્દ્રીય કાપડ મંત્રાલયના ઉપક્રમે કચ્છના પરંપરાગત હસ્તકલા અને હાથશાળ કારીગરોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા નોંધણી ઝુંબેશ : તા. ૩૦ નવેમ્બર સુધીમાં પોતાના ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કરી નોંધણી કરાવવા કારીગરોને અનુરોધ
ભુજ - કચ્છઉદય : ભારત સરકારના કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના હેન્ડલૂમ (હાથશાળ) અને હેન્ડીક્રાફ્ટ (હસ્તકલા) ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય કારીગરો માટે રોજગારીની તકોમાં વધારો કરવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ કારીગરો સુધી પહોંચાડવાનો છે.
આ વિશેષ સર્વે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામોમાં હેન્ડલૂમ તથા હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે પરંપરાગત રીતે કાર્યરત તેમજ સ્વરોજગારી સાથે જોડાયેલા કારીગરોની સચોટ માહિતી એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી થકી કારીગરોની ઓળખ અને નોંધણી સુનિશ્ચિત કરી, તેઓને સરકારની વિવિધ યોજનાઓ, અદ્યતન તાલીમ, કૌશલ્ય વિકાસ, માર્કેટિંગ અને બજાર વ્યવસ્થા સાથે જોડીને તેમની રોજગારી અને આજીવિકાને નવી દિશા આપવામાં આવશે.
આ સંદર્ભે કચ્છ જિલ્લાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે કામ કરતા તમામ કારીગર ભાઈઓ અને બહેનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે, તેઓ તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં પોતાના ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રીનો સંપર્ક કરી આ સર્વે અંતર્ગત પોતાની નોંધણી અવશ્ય કરાવી લે. કચ્છ જિલ્લાના વધુમાં વધુ કારીગરો આ નોંધણી ઝુંબેશમાં જોડાય તે માટે તમામ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા સંબંધિત અધિકારીઓને પણ પૂરતો સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છની પરંપરાગત હસ્તકલા અને હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે "નોંધણી કરાવો, સરકારી યોજનાઓનો લાભ મેળવો અને પરંપરાગત કળા તથા કારીગરોની આજીવિકાને નવી દિશા આપો" ના સંકલ્પને સાર્થક કરવા સૌનો સહયોગ આવકાર્ય હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.