અંજાર તાલુકાના ૧૬૦ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ
અંજાર - કચ્છઉદય : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને તેઓ પોષણક્ષમ આહાર મેળવી શકે તેવા ઉમદા હેતુથી અંજાર તાલુકામાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અંજારિયાના સતત પ્રયાસો અને માર્ગદર્શનથી વેલસ્પન પ્રા. લિ.ના સહયોગથી વેલસ્પન વર્લ્ડ અને વેલસ્પન ગ્રુપ દ્વારા અંજાર તાલુકાના ટીબીના તમામ ૧૬૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ટીબી માત્ર એક રોગ નથી, પરંતુ દર્દી અને તેના પરિવાર માટે શારીરિક, માનસિક તેમજ આર્થિક પડકાર પણ બની શકે છે. ટીબીની સારવાર દરમિયાન નિયમિત દવાઓની સાથે પૌષ્ટિક આહારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દર્દીઓને પૂરતું પોષણ મળી રહે, તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને અને સારવાર દરમિયાન જરૂરી પોષણની જરૂરિયાત પૂર્ણ કરવામાં સહાય મળે તે દિશામાં આ પોષણ કીટનું વિતરણ મહત્વપૂર્ણ સાબિત થશે.
અંજાર તાલુકાના તમામ ૧૬૦ ટીબી દર્દીઓને આવરી લઈને કરવામાં આવેલી આ પહેલથી એક પણ દર્દી પોષણ સહાયથી વંચિત ન રહે તેવો પ્રશંસનીય અભિગમ જોવા મળ્યો છે. ખાસ કરીને ટીબીના દર્દીઓની સારવાર માત્ર દવાઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેમને પોષણ, સામાજિક સહયોગ અને માનસિક હૂંફ પણ મળે તે માટે સરકારી આરોગ્ય તંત્ર અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનું સંકલન ખૂબ જ જરૂરી છે. વેલસ્પન વર્લ્ડ અને વેલસ્પન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સહાય કોર્પોરેટ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજના જરૂરિયાતમંદ અને ટીબી સામે લડી રહેલા દર્દીઓની પડખે ઊભા રહીને સંસ્થાએ માનવતાભર્યો અભિગમ રજૂ કર્યો છે. આવી પહેલ અન્ય ઔદ્યોગિક એકમો, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓને પણ ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થવા પ્રેરણા પૂરી પાડશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ ટીબીના દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર, પોષણ સહાય અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આરોગ્ય વિભાગની સાથે ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નાગરિકોનો સહયોગ અત્યંત આવશ્યક છે. અંજાર તાલુકાના તમામ ૧૬૦ ટીબી દર્દીઓ માટે પોષણ કીટની વ્યવસ્થા કરી સહયોગ આપવા બદલ વેલસ્પન પ્રા. લિ., વેલસ્પન વર્લ્ડ અને વેલસ્પન ગ્રુપનો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથે જ આ ઉમદા કાર્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ પ્રયાસો કરનાર ડીટીઓ ડો. મનોજ દવે તથા ટીએચઓ ડો. અંજારિયાની કામગીરી પણ પ્રશંસનીય છે.
----

Comments