કચ્છના હાઈવે પર મળી આવેલી અજાણી મહિલાની લાશના ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ઉત્તરપ્રદેશથી આરોપી ઝડપાયો!
એકલધાર નજીક નેશનલ હાઈવે પરથી મળી હતી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ; ફોરેન્સિક તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મૃતકની ઓળખ કરી પોલીસે ઉત્તરપ્રદેશ સુધી તપાસના તાર જોડ્યા. વેશપલટો કરી આડેસર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આડેસર : કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલધાર નજીક નેશનલ હાઈવે પરથી મળી આવેલી અજાણી મહિલાની લાશના ચકચારી હત્યા કેસનો આખરે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પૂર્વ કચ્છ પોલીસની ટીમે ટેકનિકલ તપાસ, ફોરેન્સિક રિપોર્ટ અને બાતમીદારોની મદદથી ઉત્તરપ્રદેશ સુધી તપાસના તાર જોડીને હત્યાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, ગત તા. ૦૮/૦૬/૨૦૨૫ના રોજ સવારે આશરે ૦૦ઃ૪૦ વાગ્યાના અરસામાં એકલધાર (આડેસર) પાસે નેશનલ હાઈવે નંબર-૨૭ પર અજાણી સ્ત્રીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ બનાવ અંગે આડેસર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોત અંગેની નોંધ કરી બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મહિલાની લાશને પી.એમ. અર્થે જામનગરની ફોરેન્સિક મેડિસિન વિભાગમાં મોકલવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ દરમિયાન મહિલાના ગળાના ભાગે દબાણના નિશાન જોવા મળતાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની શક્યતા સામે આવી હતી. જોકે, મૃતક મહિલાની ઓળખ થઈ શકે તેવા કોઈ સ્પષ્ટ પુરાવા ન મળતાં પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે વિવિધ રાજ્યોમાં મરણજનાર મહિલાના ફોટોગ્રાફ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતાં મૃતક મહિલાનું નામ પુષ્પાદેવી,
પતિ લક્ષ્મણ સુરેશચંદ્ર જાતે નાઈ (ઠાકુર) હોવાનું સામે આવ્યું હતું. તેઓ ઉત્તરપ્રદેશના શિકોહાબાદ તાલુકાના નગલા બહુમા ગામનાં વતની હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ પોલીસે મૃતક મહિલાના પરિવારજનો અને સંબંધીઓની પૂછપરછ કરતાં આ સમગ્ર બનાવમાં શંકાની સોય ગામના જ પ્રવિણ ઉર્ફે મંગો ગિરીશચંદ્ર યાદવ તરફ ગઈ હતી. પોલીસ તપાસમાં આરોપી સાથે જોડાયેલી કડીઓ મળતાં આડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આરોપી ઉત્તરપ્રદેશમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમને ત્યાં તપાસ માટે મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસની મદદથી વેશપલટો કરી તથા બાતમીદારોની મદદ મેળવી આરોપી પ્રવિણ ઉર્ફે મંગો ગિરીશચંદ્ર યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને રાઉન્ડઅપ કરી આડેસર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસની ટીમે મહત્વની સફળતા મેળવી છે. લાંબા સમયથી અજાણી રહેલી મહિલાની ઓળખ મેળવી હત્યાના કેસ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.
.........

Comments