લાખાપરના મંદિરની દાન પેટીમાંથી રોકડની ઉઠાંતરી
રાત્રી દરમ્યાન આવેલા તસ્કરોએ દાનપેટી કાપીને ચોરીને અંજામ આપ્યો
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના લાખાપર ગામે આવેલા શંકર મતિયાદેવના મંદિરમાંથી ચોરી થઈ હતી. આ બાબતે પ્રાગપર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૧૧ તારીખે સાંજે સાત વાગ્યાથી ૧ર તારીખે સવારે ૯.૩૦ વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. ફરિયાદી લાખાપર ગામમાં રહેતા નવીનભાઈ લક્ષ્મણભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે તેમના સમાજના બંધ મંદિરમાં આરોપીઓએ પ્રવેશ કરી મંદિરની દાનપેટી કોઈ સાધન વડે કાપી હતી અને દાનપેટીમાંથી આશરે ૪૦ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી હતી. આ બનાવ બાદ ગામમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ ચોરી બાબતે કોઈ ભાળ મળી ન હતી. જેથી આગેવાનો સાથે વાત કરીને પ્રાગપર પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં કેબલ ચોરી, ઘરફોડ ચોરી બાદ હવે મંદિર ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
3

Comments