Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતને બે નવી રેલવે સેવાઓની ભેટ, વડાપ્રધાન આવતીકાલે લીલી ઝંડી આપશે

29 October


સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેન શરૂ થતાં શ્રદ્ધાળુઓ સહિત દૈનિક મુસાફરોને થશે સુવિધા

અમદાવાદ- કચ્છ ઉદય : ગુજરાતના રેલવે મુસાફરો માટે આવતીકાલે, ૩૦ ઑક્ટોબરે બે નવી ટ્રેન સેવાઓ શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૃશ્યશ્રાવ્ય માધ્યમથી સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આ બંને સેવાઓથી ગુજરાતના રેલવે જોડાણને વધુ મજબૂતી મળશે અને ધાર્મિક યાત્રા ઉપરાંત રોજિંદી અવરજવર પણ સરળ બનશે.
સાબરમતી રેલવે મથકે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો ડૉ. હર્ષદભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને કૌશિક જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બેચરાજી ખાતે યોજાનારા કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, મયંક નાયક, રાજેશ શુક્લા અને ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના મહાનુભાવો હાજરી આપશે.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આ બંને નવી સેવાઓ પ્રાદેશિક અને આંતરરાજ્ય રેલવે જોડાણને વધુ સુદૃઢ બનાવશે. સાબરમતીથી વારાણસી સુધીની નવી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે મુસાફરીને સરળ બનાવશે. બીજી તરફ, મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેન ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને ઔદ્યોગિક કર્મચારીઓ માટે ઉપયોગી બનશે. આ સેવાઓથી ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. ટ્રેન નંબર ૧૨૨૦૫ સાબરમતી-વારાણસી એક્સપ્રેસ સાબરમતીથી દરરોજ સવારે ૫ઃ૨૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૬ઃ૩૦ વાગ્યે વારાણસી પહોંચશે. પરત આવતી ટ્રેન નંબર ૧૨૨૦૬ વારાણસીથી સાંજે ૫ઃ૩૦ વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે ૮ઃ૧૫ વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટૂંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સહિતનાં રેલવે મથકો પર સ્ટોપ લેશે. આ સેવા ખાસ કરીને વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ ધામ સહિતનાં ધાર્મિક સ્થળોએ દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.
મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેન શરૂ થવાથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે. આ સેવા સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુજ અને મહેસાણાને જોડશે. બેચરાજી ખાતે આવેલા શ્રી બહુચર માતાના મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ ઉપરાંત આસપાસનાં ગામોના રહેવાસીઓ અને રોજિંદા મુસાફરોને પણ તેનો લાભ મળશે. મેમૂ સેવા હેઠળ સવાર અને સાંજના સમયે મુસાફરીની સુવિધા ઉપલબ્ધ રહેશે. સવારે સાબરમતીથી ૬ઃ૪૦ વાગ્યે ઉપડતી ટ્રેન ૮ઃ૦૫ વાગ્યે બેચરાજી અને ૯ઃ૪૫ વાગ્યે મહેસાણા પહોંચશે. પરત મહેસાણાથી સાંજે ૪ઃ૪૦ વાગ્યે ઉપડતી ટ્રેન ૫ઃ૪૯ વાગ્યે બેચરાજી પહોંચશે અને ત્યાંથી ૫ઃ૫૧ વાગ્યે ઉપડી રાત્રે ૮ઃ૩૦ વાગ્યે સાબરમતી પહોંચશે. સાંજની સેવામાં સાબરમતીથી ૫ઃ૦૫ વાગ્યે ઉપડતી ટ્રેન ૬ઃ૪૮ વાગ્યે બેચરાજી અને રાત્રે ૮ઃ૨૫ વાગ્યે મહેસાણા પહોંચશે. જ્યારે મહેસાણાથી સવારે ૭ઃ૦૫ વાગ્યે ઉપડતી ટ્રેન ૭ઃ૫૦ વાગ્યે બેચરાજી અને સવારે ૧૦ઃ૨૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, આ બંને નવી સેવાઓથી મુસાફરોને સરળ, સુવિધાજનક અને સસ્તા પરિવહનનો વિકલ્પ મળશે. ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચેની મુસાફરીની સાથે ઉત્તર ગુજરાતમાં ધાર્મિક સ્થળો સુધી પહોંચવું પણ વધુ અનુકૂળ બનશે. રેલવે જોડાણના વિસ્તરણથી વેપાર, રોજગાર, પ્રવાસન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની આશા છે. 
--------

 

Comments

COMMENT / REPLY FROM