ભુજમાં ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાના નામે આધેડ સાથે ઠગાઈ
અલગ અલગ વાઉચરો મારફતે કાર્ડમાંથી ૪૯૪૭૦ ઉપાડી લેવાયા
ભુજ - કચ્છઉદય : સાયબર માફિયાઓ દ્વારા અગાઉ એલપીજી ગેસની સબસીડી, પીજીવીસીએલના લાઈટ બીલ સહિતના નામે ઠગાઈ કરવામાં આવતી હતી. પ્રચાર બાદ હવે માફિયાઓએ ઠગાઈ કરવાની રીત બદલી છે. હવે મોટે ભાગે આરટીઓ કે પોલીસના ચલણ તેમજ ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા, નવા ઈસ્યુ કરવા, ઓફર આપવા સહિતના નામે ઠગાઈ કરવામાં આવે છે. ભુજના આધેડ સાથે ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાના નામે ઠગાઈ કરવામાં આવી છે. ફરિયાદી રઘુવંશીનગરમાં રહેતા પિયુષ નટવરલાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે અલગઅલગ પાંચ મોબાઈલ નંબરના ધારકે તેમની સાથે ઠગાઈ કરી હતી. પ્રથમ તેમના વોટસઅપમાં લીંક મોકલવામાં આવી અને ફરિયાદીના એસબીઆઈ બેંકના ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા માટેની વાત કરવામાં આવી, બાદમાં એસબીઆઈ એપીકે નામની ફાઈલ મોકલાવી અને બાદમાં અલગ અલગ વાઉચરો મારફતે કાર્ડમાંથી ૪૯,૪૭૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ફરિયાદી સાથે ઠગાઈ કરવામાં આવતા તેઓ બેંકમાં પહોંચ્યા હતા. એસબીઆઈ બેંકના ક્રેડીટ કાર્ડના જનરલ મેનજર સાથે કેડીટ કાર્ડમાંથી ઓનલાઈન ઠગાઈના પૈસા કોણ ચુકવશે ? તે બાબતે ચર્ચા કરી હતી. મેનેજરે કહ્યું હતું કે, જો તમે ફરિયાદ કરશો તો તમારા રૂપિયા બેંક ભોગવશે. તે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, કોઈ પણ વ્યક્તિ ક્રેડીટ કાર્ડ લે અથવા તો પોતાના નામે વાહન લે તો તેનો ડેટા સાયબર માફિયાઓ સુધી કેમ પહોંચે છે ? પોતાના નામે ક્રેડીટ કાર્ડ હોય અને આ પ્રમાણે મેસેજ આવે તો સૌ કોઈ વિશ્વાસમાં આવી જાય. જેના નામે લાયસન્સ અને આરસી બુક હોય તે જ નંબર પર ચલણનો મેસેજ આવે તો વાહન ચાલકને વિશ્વાસ આવે તે સ્વાભાવિક છે. એક તરફ ઓનલાઈનની વાતો કરવામાં આવે છે. બીજીતરફ ઓનલાઈનમાં જ ઠગાઈ કરવામાં આવે છે. જેથી ઓનલાઈન વ્યવહારો કરવા તે વધુ ઘાતક સાબિત
થઈ રહ્યા છે.

Comments