ખેડોઈના વાડી પટ્ટામાં અંજાર પીઆઈ જાડેજાનો દેશી દારૂની બદી પર સપાટો
વાડી વિસ્તારમાંથી દેશી દારૂનો ગણનાપાત્ર કેસ ઝડપાયોઃ ૧.૪૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ વડાઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે અંજાર પોલીસે મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ખેડોઈ ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે અને રૂ. ૧,૪૪,૮૦૦/- ની કિંમતના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે.
બાતમીના આધારે દરોડો શ્રી ચિરાગ કોરડીયા (પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ આઈજી) અને શ્રી સાગર બાગમાર (પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ ગાંધીધામ)ના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીની સૂચના મુજબ, અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજાના સ્ટાફે સતત વોચ રાખી હતી.
દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિજયરાજસિંહ નરપતસિંહ ઉર્ફે મહિપતસિંહ જાડેજા (રહે. મોટી ખેડોઈ, તા. અંજાર) વાળાએ ખેડોઈ ગામની ભીમનાથ મહાદેવવાળી સીમમાં પોતાના કબજાની વાડીમાં પતરાવાળી ઓરડીમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શરૂ કરી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૫(બી), (સી), (ડી), (ઈ), (એફ) અને ૭૦(એ) મુજબ ગુનો નોંધી આરોપી વિજયરાજસિંહ નરપતસિંહ જાડેજા (ઉ.વ. ૩૫) ની ધરપકડ કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સરાહનીય કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફના સભ્યો સાથે
જોડાયા હતા.
....................
ઝડપાયેલ મુદ્દામાલ.!
પોલીસે સ્થળ પરથી દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે.દેશી દારૂ બનાવવાનો ગરમ આથો (૩૦૦ લીટર) કિંમત રૂ. ૭,૫૦૦, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો (૨૭૦૦ લીટર) કિંમત રૂ. ૭૫,૦૦૦, તૈયાર દેશી દારૂ (૨૦-૨૦ લીટરના ૧૬ કેરબા ભરેલ - ૩૨૦ લીટર) કિંમત રૂ. ૧૪,૦૦૦, અખાધ્ય ગોળના રવા (આશરે ૮ કિ.ગ્રા. ના ૧૦૦ નંગ)ઃ કિંમત રૂ. ૮,૦૦૦. લોખંડના ખાલી બેરલ પર ઢાંકેલ એલ્યુમિનિયમના ગમેલા નંગ-૦૩ તથા કરણફુલ નંગ-૦૩ અને અન્ય સાધન સામગ્રી કુલ કિંમતઃ રૂ. ૧,૪૪,૮૦૦.

Comments