શેઠ વી.ડી. હાઇસ્કૂલના શિક્ષક પ્રતાપભાઈ ગોહિલને અપાઈ ભાવભીની વિદાય
જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકની શૈક્ષણિક સેવાઓને બિરદાવાઈ
ભુજ - કચ્છઉદય : શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વી.ડી. હાઇસ્કૂલ, ભુજ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવી શિક્ષક અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિજેતા પ્રતાપભાઈ બચુભાઈ ગોહિલના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ તેમની લાંબી શૈક્ષણિક સેવાઓને બિરદાવી સન્માનપૂર્વક વિદાય આપી હતી.
સમારંભના પ્રારંભે આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન સાથે પ્રસંગની ભૂમિકા રજૂ કરી હતી. ત્યારબાદ કાયમી ટ્રસ્ટી દિનેશભાઈએ પુષ્પહાર અર્પણ કરીને પ્રતાપભાઈ ગોહિલનું સન્માન કર્યું હતું. ડૉ. ઉર્મિલભાઈ હાથી અને ભરતભાઈ ત્રિવેદીએ શ્રીફળ, સાકર તથા શાલ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. પ્રતાપભાઈનાં ધર્મપત્ની શાંતાબેનનું ટ્રસ્ટી હંસાબેન અને બેલાબેને શાલ તથા પુષ્પ અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે અલ્પાબેને સન્માનપત્રનું ભાવપૂર્ણ વાચન કર્યું હતું, જ્યારે આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કર, પરાગભાઈ ઠક્કર અને જીગરભાઈ રૂપારેલે તેમને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. અજીતભાઈ, ઝાલાભાઈ, ચાંડેરાભાઈ, અલિયાણીભાઈ, કારિયાભાઈ અને પી.આર. જાડેજા બહેને ભેટ આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં નિધીબેન અને હાથીભાઈએે પ્રતાપભાઈની શિક્ષક તરીકેની કામગીરી, સેવાભાવ અને વ્યક્તિત્વને યાદ કરી તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રતાપભાઈ ગોહિલે પણ શાળામાં વિતાવેલા વર્ષોના અનુભવો અને સંસ્મરણો રજૂ કરી સહકર્મીઓના પ્રેમ, સહકાર અને સાથ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમારંભના અંતે જે.એમ. રાઠોડે આભારવિધિ કરી ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. શાળા પરિવારે પ્રતાપભાઈ ગોહિલને નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
----------

Comments