મુન્દ્રાના ડાકબંગલા નજીક કાંટાળી વાડમાં આગ લાગતાં દોડધામ
વીજતાર નજીક આગ પહોંચતાં વીજ પુરવઠો બંધ કરાયો, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
મુન્દ્રા-કચ્છઉદય : મુન્દ્રામાં બપોરે ડાકબંગલા નજીક જાહેર વિસ્તારમાં આવેલી એક વાડીની કાંટાળી વાડમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ બાજુમાં આવેલાં ઝાડ સુધી પણ પ્રસરી હતી. ઝાડ નજીકથી વીજતાર પસાર થતા હોવાથી સાવચેતીના પગલારૂપે વીજ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના પગલે વીજ પુરવઠો બંધ કરાયો હતો.
આગ લાગ્યાની જાણ થતાં આસપાસના વેપારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, ઘટનાની જાણ થતાં મુન્દ્રા પોલીસની ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ અદાણી પોર્ટ્સ અને સેઝના અગ્નિશમન દળના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી.
----------

Comments