દિવાળી પહેલાં ભુજના વાણિયાવાડમાં ફૂડ વિભાગની તપાસ
તહેવારો આવે ત્યારે ફૂડ વિભાગ સક્રિય : રિપોર્ટ સમયસર આવે તે જરૂરી
ભુજ - કચ્છઉદય : દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આજે ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. વિસ્તારની કેટલીક દુકાનોમાં તપાસ કરવામાં આવતાં વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ હતી. જોકે, તહેવારો દરમિયાન વિભાગ દ્વારા તપાસ અને ખાદ્યપદાર્થોના નમૂના લેવાની કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ આ નમૂનાઓના રિપોર્ટ સમયસર જાહેર ન થતા કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસો અગાઉ દશેરાના તહેવાર દરમિયાન પણ ફૂડ વિભાગે આશરે ૬૦ ફરસાણના નમૂના લીધા હતા. અગાઉ પણ વિવિધ તહેવારોમાં ખાદ્યપદાર્થોના નમૂના લેવાની કામગીરી થતી રહી છે. તેમ છતાં, નમૂના કયા વેપારીની દુકાનમાંથી લેવામાં આવ્યા, કયા ખાદ્યપદાર્થની ચકાસણી કરવામાં આવી અને તેના રિપોર્ટમાં શું બહાર આવ્યું તે અંગેની વિગતો જાહેર ન થતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોનું વેચાણ વધે છે. આવા સમયે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ વિભાગની જવાબદારી વધી જાય છે. વિભાગ દ્વારા નમૂના લેવામાં આવે તે જરૂરી છે, પરંતુ તે ખાવા યોગ્ય છે કે નહીં તેની જાણકારી પણ સમયસર મળવી એટલી જ મહત્ત્વની છે. નમૂના લીધા બાદ તેના રિપોર્ટમાં વિલંબ થાય તો શંકાસ્પદ ખાદ્યપદાર્થો અંગે સમયસર કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીજી તરફ, નમૂના યોગ્ય હોવાનું સાબિત થાય તો વેપારીઓને પણ બિનજરૂરી શંકામાંથી
મુક્તિ મળી શકે છે. અન્ય મહાનગરોમાં ફૂડ વિભાગની નમૂના લેવાની કામગીરી સાથે કયા ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા અને ક્યાંથી લેવામાં આવ્યા તેની વિગતો પણ જાહેર કરવામાં આવતી હોવાના દાખલા જોવા મળે છે. તેની સામે કચ્છમાં ઘણીવાર માત્ર નમૂનાઓની સંખ્યા જાહેર થતી હોવાની ફરિયાદ છે. દુકાન કે ખાદ્યપદાર્થની વિગતો અને રિપોર્ટની સ્થિતિ અંગે સ્પષ્ટતા ન થતાં પારદર્શિતા સામે સવાલ ઊભા થાય છે. તહેવારો દરમિયાન તપાસ કરવી જરૂરી છે, પરંતુ તેની સાથે નમૂનાઓના રિપોર્ટ સમયસર મેળવવા, નિયમભંગ જણાય તો કાર્યવાહી કરવી અને પરિણામો જાહેર કરવા પણ એટલું જ જરૂરી છે. અન્યથા, તહેવારો પૂરતી તપાસ કરીને નમૂના લેવાની કામગીરી થાય છે, પરંતુ તેનો નક્કર ફાયદો ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં તે સવાલ યથાવત રહે છે. આ લખાય છે ત્યારે વાણીયાવાડમાં તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.

Comments