સૂરજબારી ટોલ પ્લાઝા પર ઓવરલોડ ડમ્પરોનો આતંક
બૂમ બેરિયર તોડીને બળજબરીથી પસાર થવાની ઘટનાઓમાં વધારો : કર્મચારીને છરી બતાવી ધમકી આપવાના ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ - કચ્છઉદય : સૂરજબારી ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. આરોપ છે કે અનેક ઓવરલોડ ડમ્પરો ટોલ પ્લાઝા પરની નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના બળજબરીથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન બૂમ બેરિયર તોડીને ટોલ પ્લાઝાની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી ઘટનાઓને કારણે ટોલ સંચાલન ખોરવાવાની સાથે કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે.૨૧મી ઑક્ટોબરના સાંજે આશરે ૭ઃ૧૫ વાગ્યે સૂરજબારી ટોલ પ્લાઝા પર એક ગંભીર ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર ગેરકાયદે ખનન સાથે સંકળાયેલું હોવાની શંકા ધરાવતા એક ઓવરલોડ વાહને બૂમ બેરિયર તોડીને બળજબરીથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્થાનિક વ્યક્તિ ઇમરાન દ્વારા ટોલ પ્લાઝાના કર્મચારીઓને છરી બતાવીને ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં મેનેજર રવિ કુમાર સહિત અન્ય વરિષ્ઠ કર્મચારીઓને પણ ધમકી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસકર્મીઓ પણ હાજર હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.ટોલ પ્લાઝા પર તૈનાત કર્મચારીઓ નિર્ધારિત નિયમો અનુસાર ટોલ સંચાલન અને ટ્રાફિક વ્યવસ્થાપનની જવાબદારી નિભાવે છે. જો ઓવરલોડ વાહનો બૂમ બેરિયર તોડીને બળજબરીથી પસાર થાય અને કર્મચારીઓને ધમકાવવામાં આવે, તો આ માત્ર ટોલ પ્લાઝાની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મામલો નથી, પરંતુ કર્મચારીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માટે પણ ગંભીર પડકાર છે. આવી ઘટનાઓ વારંવાર બનવાથી ટોલ પ્લાઝાની નિયમિત અને સુચારુ કામગીરી પર અસર પડી શકે છે. દરેક કર્મચારીને સુરક્ષિત વાતાવરણમાં ફરજ બજાવવાનો અધિકાર છે અને ફરજ દરમિયાન ધમકી કે હિંસાનો સામનો કરવો ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ૨૧ ઑક્ટોબરની ઘટનાના સંબંધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
...................
અમે તો બુમો પાડતા હતા, રોકો..રોકો..!
જુઓ ખનીજચોરો કેવા ફાટીને ફુલેકે ગયા, આવુ તો આતંકવાદીઓ પણ ન કરે
હવે તંત્રને પણ આ ખનીજચોરો દાદ આપતા નથી, બેરીયર તોડીને દાદાગીરીપૂર્વક નીકળી જાય છે
ગાંધીધામ : વાગડ પટ્ટામાં ખનીજચોરો માફીયાઓ ન માત્ર બની ગયા છે બલ્કે રીતસરના ફાટીને ફુલેકેજ ચડી ગયા છે. અમે તો વખતોવખત કહેતા આવ્યા છીએ કે ખનીજચોરોને ડામો, બૂમબરાડા અમે તો પાડયા હતા, કોઈએ સાંભળ્યા નહી, હવે સરકારી કર્મીઓને ચાકુ દેખાડી રહ્યા છે અને બેરીયર તોડીને ખનીજચોરે નીકળી જાય છે. હવે તો ખનીજચોરોને છાવરનારાઓની પણ સલામતી રહી નથી.
..............
NHAI ના અધિકારીઓ અપાવે યોગ્ય સુરક્ષા
ટોલનાકે સરકારી કર્મીઓની સુરક્ષા રામભરોસેઃ ખનીજમાફિયા ઓના વધતા જીવલેણ હુમલા
પૂર્વ કચ્છ પોલીસતંત્ર, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી સહિતની ટીમો ખનીજચોરોને ડામવા સંયુક્ત ઝુંબેશરૂપ તવાઈ બોલાવે તેવી ઉગ્ર માંગ
ગાંધીધામ : પૂર્વ કચ્છ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર આવેલા ટોલનાકાઓ પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ અને ટોલ સ્ટાફની સુરક્ષા હાલ રામભરોસે મુકાઈ હોવાની ગંભીર સ્થિતિ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાત-દિવસ બેફામ બનેલા ખનીજચોરો અને ઓવરલોડ ડમ્પર માફિયાઓ દ્વારા ટોલનાકા ઉપર રોકટોક કરનાર કર્મચારીઓ પર જીવલેણ હુમલા અને ધમકી આપવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરજબારી સહિતના મહત્વના ટોલનાકાઓ પરથી પસાર થતી ગેરકાયદે ખનીજ ભરેલી ગાડીઓ અને ઓવરલોડ ડમ્પરોને જ્યારે ફરજ પરના કર્મચારીઓ રોકવાનો કે ચેક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ખનીજમાફિયાઓ દાદાગીરી પર ઉતરી આવે છે. તીક્ષ્ણ હથિયારો, છરીઓ બતાવીને સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી અને ઝપાઝપી કરી પરાણે વાહનો ભગાડી જવા જેવા કિસ્સાઓ રોજીંદા બની રહ્યા છે. આવા સંવેદનશીલ વાતાવરણ વચ્ચે કર્મચારીઓમાં ભય અને અસુરક્ષાની વ્યાપક લાગણી ફેલાઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે અને ટોલનાકાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓને પૂરતું પોલીસ રક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડે તે અત્યંત જરૂરી બન્યું છે. બીજી તરફ, બેફામ બનેલા ખનીજમાફિયાઓ અને તત્વોના ત્રાસમાંથી કાયમી છુટકારો મેળવવા માટે પૂર્વ કચ્છ પોલીસતંત્ર, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી, ભચાઉ મામલતદારશ્રી તથા ખાણ-ખનીજ વિભાગ સહિતના જવાબદાર તંત્રો સંયુક્ત રીતે ઝુંબેશરૂપ કડક તવાઈ યોજે તેવી લોકમાંગ બુલંદ બની છે. જો સત્વરે આવા અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેઠવાઈ રહી છે.
.................
ખનીજચોરો પર પૂર્વ કચ્છના ખાખીના કયા તત્વો મહેરબાન?
૧૦ દિવસમાં સુરજબારી પટ્ટામાં બે વખત ઓવરલોડ વાહનચાલકો અને રેતીચોરો દાદાગીરી કરી ગયાઃ તંત્ર માટે આ ઘટના લાલબત્તીરૂપ
ગાંધીધામ : પૂર્વ કચ્છના સરહદી અને સંવેદનશીલ ગણાતા સુરજબારી અને ભચાઉ પટ્ટામાં ખનીજચોરો અને ઓવરલોડ વાહનચાલકોની દાદાગીરી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. છેલ્લા માત્ર ૧૦ દિવસના ટૂંકા સમયગાળામાં સુરજબારી પટ્ટામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદે રેતીચોરી કરતા તત્વો બે વખત ખુલ્લેઆમ દાદાગીરી કરીને કાયદાની ધજ્જીયા ઉડાડી ગયા છે, જે સમગ્ર પૂર્વ કચ્છ તંત્ર અને પોલીસ માટે લાલબત્તીસમાન ગંભીર ચેતવણીરૂપ કિસ્સો બની રહ્યો છે.સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે આટલી હદે ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ પૂર્વ કચ્છ પોલીસ તંત્રના કયા ખાખીધારી તત્વોની મહેરબાની છવાયેલી છે? આટલા મોટા પ્રમાણમાં ખનીજચોરી અને ઓવરલોડ વાહનો હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે હકીકતમાં કોની કોની ભાગબટાઈ છે તે અંગે પણ લોકમુખે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.સુરજબારી ટોલપ્લાઝા તેમજ આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ ફરજ પરનો સ્ટાફ કે તપાસતી ટીમો આ ગેરકાયદે વાહનોને અટકાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ખનીજમાફિયાઓ તીક્ષ્ણ હથિયારો બતાવી, ધમકીઓ આપીને કે ઝપાઝપી કરીને બેરોકટોક વાહનો ભગાડી જાય છે. ૧૦ જ દિવસમાં આ પ્રકારની બે-બે ઘટનાઓ બનવા છતાં હજુ સુધી કોઈ નક્કર કે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળી નથી.જો પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ આવા અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે ત્વરિત પગલાં નહીં ભરે, તો સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ વણસવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે પૂર્વ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાણ-ખનીજ વિભાગ પોતાની છબી સુધારીને આ હપ્તાખોરી અને મહેરબાનીના ખેલ પર ક્યારે પૂર્ણવિરામ મૂકે છે.

Comments