નખત્રાણા તાલુકા કક્ષાના કલામહાકુંભમાં ૩પ૦ સ્પર્ધકોએ કલાનું પ્રદર્શન કર્યું
નખત્રાણા - કચ્છઉદય : અહીંની સંતકૃપા વિદ્યાલય ખાતે નખત્રાણા તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ - ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં તાલુકાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટી મુરૂભા જાડેજા તથા આચાર્ય વિપુલભાઈ અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કલા મહાકુંભ અંતર્ગત ચિત્ર, વક્તૃત્વ, નિબંધ, તબલા, હાર્મોનિયમ, સુગમ સંગીત, લોકગીત, ભજન, લગ્નગીત, લોકનૃત્ય તેમજ રાસ - ગરબા જેવી અનેકવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિવિધ કેટેગરીમાં કુલ ૩૫૦ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું હતું. નિર્ણાયક તરીકે ડૉ. ઉષાબેન ભટ્ટ, ડૉ. વિપુલ કે. મોદી, ડૉ. અંજનાબેન બેન પરમાર, ડૉ. ફાલ્ગુનીબેન પોમલ, સંગીતાબેન, નરેશભાઈ બાવળિયા, નિલેશભાઈ પટેલ તેમજ પંકજભાઈએ સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંચાલન શંકરસિંહ સોઢા અને અનિલભાઈ બાંભણિયા અને આભારવિધિ નારાણભાઈ આહીરે કરી હતી.
------

Comments