કચ્છના બાગાયત ખેડૂતો માટે ત્રણ નવી સહાય યોજનાઓ જાહેર
૧૬થી ૩૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, મહત્તમ રૂા. બે લાખ સુધીની સહાયની જોગવાઈ
ભુજ-કચ્છ ઉદય : કચ્છ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા તેમજ આ ખેતી અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા બાગાયત વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ત્રણ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ ફળપાકમાં ગુણવત્તા સુધારવા, બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકનું વાવેતર વધારવા તેમજ આદુ અને હળદરના પાકને પ્રોત્સાહન આપવા સહાય આપવામાં આવશે. આ માટે ૧૬થી ૩૦ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
ફળપાકમાં આવરણની મદદથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની યોજના હેઠળ એક હેક્ટર વિસ્તાર માટે રૂા. પાંચ લાખના એકમ ખર્ચને ધ્યાને લઈ ૪૦ ટકા અથવા મહત્તમ રૂા. બે લાખની સહાય મળશે. આ આવરણનું માળખું ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટર અને વધુમાં વધુ એક હેક્ટર વિસ્તારમાં બનાવવાનું રહેશે. વિસ્તારના પ્રમાણમાં સહાય ચૂકવવામાં આવશે.બીજી યોજના હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી એક જ વિસ્તારમાં એકથી વધુ પ્રકારના ફળપાકનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રોત્સાહન અપાશે. આ માટે પાકવાર નક્કી કરાયેલા રોપા, કલમ અથવા પેશી સંવર્ધનથી તૈયાર કરાયેલા રોપા દીઠ નિયત ખર્ચ અને વાસ્તવિક ખર્ચમાંથી જે ઓછો હશે તેને આધારે વાવેતર કરેલા રોપાની સંખ્યા મુજબ સહાય આપવામાં આવશે.
---------

Comments