ભુજમાં સસ્તા સોનાના નામે ૧ર.૧૭ લાખની ઠગાઈ
આફતાબ સોઢાએ રાજીવ જોશી નામની ફેસબુક આઈડી બનાવી લોકોને શીશામાં ઉતાર્યા
ભુજ - કચ્છઉદય : શહેરમાં સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને ઠગાઈ કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેક આઈડી બનાવીને મુંબઈના યુવાન સાથે ૧ર.૧૭ લાખની ઠગાઈ કરવામાં
આવી હતી.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ રાજીવ જોશી નામની આઈડી બનાવીને ફેસબુક મારફતે સોનાના બિસ્કીટના વેચાણના ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. ફરિયાદી કાંદીવલી વેસ્ટમાં રહેતા જય રીપેશભાઈ વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપવામાં આવી હતી. રાજીવ જોશી સાથે નીતિન પટેલ, નિકુંજ પટેલ સહિતના શખ્સો જોડાયા હતા. જો કે બાદમાં તપાસ કરતા તમામ નામો બોગસ ધારણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. રહીમનગરમાં રહેતા આફતાબ અનવર સોઢાએ રાજીવ જોશી, મુસ્તાક ઈસ્માઈલ ફકીરે નીતિન પટેલ, સંજોગનગરમાં રહેતા અશરફ અહમદ વર્યાએ નિકુંજ પટેલ તેમજ કંજલી નગરમાં રહેતા જાવેદ મામદ સમા અને રહીમનગરમાં રહેતા ફીરોઝ બાબુ શેખે ભેગા મળી સોશિયલ મીડિયામાં ઠગાઈ કરવા માટે પોસ્ટ અપલોડ કરી ફરિયાદીને બજાર ભાવ કરતા ૧પ ટકા ઓછા ભાવે સાડા ત્રણ લાખમાં સોનાનુ એક બિસ્કીટ આપવાની લાલચ આપવામાં આવી હતી. ચાર બિસ્કીટના ટુકડે ટુકડે ૧૩,૮૪,૯પ૩ મેળવી લેવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને ૧.૬૮ લાખ પરત મળ્યા બાકીના ૧ર,૧૬,૯પ૩ રૂપિયા આજદીન સુધી પરત આપવામાં આવ્યા નથી. જેથી ઠગાઈ થતા પાંચેય ઈસમો સામે ભુજ બી ડીવીઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments