પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા આવી ત્યારે સરકારને ભરતીનું સુજ્યું
પ્રાથમિક વિભાગમાં ગુજરાતી માધ્યમમાં જ્ઞાન સહાયકની ભરતી માટે આજથી અરજીઓ મંગાવાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં નવા સત્રથી શિક્ષકોની ઘટ વચ્ચે અવારનવાર ભરતી માટે રજુઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં ન આવ્યા, નવરાત્રી પછી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા યોજાવાની છે. શિક્ષકો વિના ઘણી શાળાઓમાં ભણતર પુરૂં થઈ ગયું અને હવે રહી રહીને સરકારને ભરતી યાદ આવી છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સામાજીક કલ્યાણ વિભાગ હસ્તકની શાળાઓમાં ૧૧ મહિના માટે કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.
ગુજરાતી માધ્યમ માટે આ ભરતી થવાની છે. આજે ૧પ તારીખે બપોરે બે વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે. રર ઓકટોબર સુધી અરજી થશે. ર૪ ઓકટોબરના મેરીટ જાહેર થશે અને ર૬ તારીખે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે ડોકયુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રીપોર્ટીંગ થશે. શૈક્ષણિક સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવેશોત્સવ વખતે નેતાઓ અને અધિકારીઓ દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી હતી કે, થોડા સમયમાં શિક્ષકોની ઘટ ઉકેલાઈ જશે. પરંતુ જોવા જઈએ તો જ્ઞાન સહાયક નવા આવે અને જુના છુટા થઈ જાય. કચ્છની ખાસ ભરતીમાં ઘણા શિક્ષકોએ બોન્ડ ભરીને કચ્છને અલવીદા કહ્યું છે. વિદ્યા સહાયક ભરતીમાં શહેરી જગ્યાઓ ભરાઈ છે જયારે ગામડાઓમાં હજુ ખાલી છે. પરિસ્થિતિ એવી છે કે, ગામડાઓની ઘણી શાળાઓમાં વિષયોના શિક્ષકો મળ્યા જ નથી. જેમ તેમ ગાડું ગબડાવાયું અને પરીક્ષા પણ આવી ગઈ અને હવે જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે. જે શિક્ષકો મળશે તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને દિવાળી પછી જ મળશે. કારણ કે રર તારીખથી પરીક્ષા શરૂ થશે અને તે બાદ તબક્કાવાર વેકેશનની
શરૂઆત થશે.

Comments