Trending News
સ્થાનિક સમાચાર

ભુજની આર. આર. લાલન કોલેજના વિદ્યાર્થીઓમાં આક્રમકતાનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરાયું

09 October



ભુજ - કચ્છઉદય : આજના બદલાતા સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાતાવરણમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક પરિપક્વતા અને વર્તનનો અભ્યાસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં પ્રવેશતા વિદ્યાર્થીઓના જીવનમાં વ્યક્તિત્વનો વિકાસ, શૈક્ષણિક સિદ્ધિ, સામાજિક સંબંધો, કારકિર્દીની પસંદગી અને ભવિષ્ય અંગેની અપેક્ષાઓ જેવી અનેક બાબતો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના માનસિક અને સામાજિક દબાણનો અનુભવ કરી શકે છે, જેની અસર તેમના ભાવનાત્મક સંતુલન અને વર્તન પર પડી શકે છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી આક્રમકતાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવો જરૂરી બને છે.
આર. આર. લાલન કોલેજ, ભુજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ સી. એસ. ઝાલાના આદેશ અનુસાર અને ડો. પલ્લવી આર. ચૌહાણ માર્ગદર્શન હેઠળ “આર. આર. લાલન કોલેજના વિદ્યાર્થીઓમાં આક્રમકતાનું મનોવૈજ્ઞાનિક અધ્યયન” વિષય પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ અભ્યાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આક્રમકતાનું સ્તર જાણવા તથા વિધાર્થી-વિદ્યાર્થીનીઓ અને ગ્રામ્ય-શહેરી વિદ્યાર્થીઓમાં આક્રમકતાના પ્રમાણની સરખામણી કરવાનો હતો.સર્વેના માહિતી પ્રાપ્ત કરવા મુલાકાતી અધ્યાપક કર્મદીપસિંહ જે. જાડેજા, ધ્યાનીકા પરમાર, રિયા આગઠ સહયોગ રહ્યો હતો. 
સર્વેના પ્રાથમિક આંકડાઓ મુજબ કુલ ૫૨૦ વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓમાં ૪૩.૩૩% જ્યારે વિદ્યાર્થીનીઓ૧૭.૫૦% વિદ્યાર્થીઓમાં ઊંચું આક્રમકતા સ્તર જોવા મળ્યું. આથી વિદ્યાર્થીનીઓની સરખામણીમાં વિદ્યાર્થીઓમાં ઊંચું આક્રમકતા સ્તર વધુ જોવા મળ્યું હતુંં. વિસ્તાર દ્રષ્ટીએ આંકડાઓમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં ૧૯.૩૫% અને શહેરી વિદ્યાર્થીઓમાં ૪૦.૬૫% આક્રમકતા સ્તર જોવા મળ્યું. આ મુજબ શહેરી વિદ્યાર્થીઓમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં ઊંચું આક્રમકતા સ્તર વધુ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓમાં આક્રમકતાના વિકાસ પાછળ અનેક સંભવિત પરિબળો જવાબદાર હોઈ શકે છે. શૈક્ષણિક સ્પર્ધા, પરીક્ષાનો તણાવ, અપેક્ષાઓનું દબાણ, બેરોજગારી અંગેની ચિંતા, કૌટુંબિક મતભેદો, આર્થિક મુશ્કેલીઓ, સામાજિક અસમાનતા અને મિત્રવર્તુળનો પ્રભાવ, ઉછેરશૈલી વિદ્યાર્થીઓના ભાવનાત્મક જીવનને અસર કરી શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ, ઑનલાઇન તુલના, સાયબર બુલિંગ અને ડિજિટલ માધ્યમો દ્વારા ઊભી થતી સામાજિક સ્પર્ધા પણ કેટલીક પરિસ્થિતિઓમાં તણાવ અને નિરાશા સાથે સંકળાઈ શકે છે તેમ છતાં આ પરિબળો દરેક વિદ્યાર્થીમાં સમાન અસર પેદા કરે છે એવું માનવું યોગ્ય નથી.
વિદ્યાર્થીઓની લાગણીઓ વ્યક્ત કરવાની રીત, સામાજિક અપેક્ષાઓ, ઉછેરની પદ્ધતિ અને તણાવનો સામનો કરવાની રીતોમાં તફાવત હોઈ શકે છે. તેવી જ રીતે  ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓના સામાજિક વાતાવરણ, શૈક્ષણિક તકો, જીવનશૈલી અને સામાજિક અનુભવો અલગ હોઈ શકે છે. આ અભ્યાસનો અંતિમ ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર આક્રમકતાના સ્તરના આધારે ઓળખવાનો નથી, પરંતુ તેમની ભાવનાત્મક જરૂરિયાતોને સમજવાનો, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવાનો અને જરૂરી સમયે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ રીતે મનોવિજ્ઞાન વિભાગ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કોલેજના સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણના નિર્માણમાં રચનાત્મક યોગદાન આપવાના હેતુથી ગુગલ ફોમ દ્વારા માહિતી મેળવી હતી. 
------------------

Comments

COMMENT / REPLY FROM