ગાંધીધામ મનપા પીએમસી બોગસ સર્ટી કાંડ : તપાસના નામે ડીંડક : ડે.કમિશ્નરની કાર્ય પ્રણાલી સામે સવાલો..!
કમિશ્નરશ્રી પણ મૌન ? નવી બોડી કેમ ન લે ઉધડો
મનપામાં એકિજકયુટીવ એન્જીનીયરનુ જે પદ જ નથી ભરાયેલુ તેના નામે સહી-સિક્કા કરી અને પીએમસીને અનુભવનું બારોબાર પ્રમાણપત્ર અપાઈ ગયાના બહુ ગાજેલા મુદામાં મનપાના અધિકારીઓએ ૧પ દીવસમાં પગલા લેવાના આપેલા વાયદા-વચનના તપાસનીશ અધિકારી સંજય રામાનુજે વટાણાં વેરી દીધા : ર૦ દિવસથી વધુ સમય થયો હજુ સુધી તપાસ અહેવાલ પણ નથી સોપાયો
આ ડે.કમિશ્નર સરકારશ્રીનો પગાર ખાય છે કે, કૌભાંડીઓનો? કેમ ખોટુ કરનારની સામે કડક પગલા લેવામાં દાખવી રહ્યા છે ઢીલાશ? જાણકારોમાથી ઉઠતા તીખા સવાલો
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકામાં પીએમસી (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ) બોગસ સર્ટી કાંડને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. મનપામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું જે પદ જ ભરાયેલું નથી, તેના નામે સહી-સિક્કા કરીને પીએમસીને અનુભવનું બારોબાર પ્રમાણપત્ર પધરાવી દેવાના બહુચર્ચિત કેસમાં તપાસના નામે માત્ર ડીંડક ચાલી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મનપાના જવાબદાર અધિકારીઓએ ૧૫ દિવસમાં કડક પગલાં લેવાના મોટા વાયદા-વચનો આપ્યા હતા, પરંતુ તપાસનીશ અધિકારી ડેપ્યુટી કમિશ્નર સંજય રામાનુજે આ વચનોના વટાણા વેરી દીધા છે. ઘટનાને ૨૦ દિવસથી પણ વધુ સમય વિતી જવા છતાં હજુ સુધી તપાસ અહેવાલ પણ સોંપવામાં આવ્યો નથી.સવાલો થઈ રહ્યા છે ે શું કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ નગરજનો અને જાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે તીખા સવાલો ઉઠી રહ્યા છે કે, આ ડેપ્યુટી કમિશ્નર સરકારશ્રીનો પગાર ખાય છે કે કૌભાંડીઓનો? ખોટું કરનારાઓ અને બોગસ સહી-સિક્કા કરીને સર્ટી કાંડ આચરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં મનપા તંત્ર આટલી ઢીલાશ કેમ દાખવી રહ્યું છે? તપાસ અહેવાલ રજૂ કરવામાં થઈ રહેલો વિલંબ શંકાની સોય ડેપ્યુટી કમિશ્નરની ભૂમિકા તરફ ચીંધી રહ્યો છે.આ સમગ્ર વિવાદ વચ્ચે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીનું મૌન પણ અનેક સવાલો ઊભા કરે છે. કૌભાંડ આટલું ગાજ્યા પછી પણ કમિશ્નર કક્ષાએથી આકરાં પગલાં કેમ લેવાતા નથી? તો બીજી તરફ, મનપાની નવી ચૂંટાયેલી બોડી પણ આ ગંભીર મુદ્દે મૌન ધારણ કરીને બેસી રહી છે. પ્રજાના પ્રતિનિધિઓ તરીકે નવી બોડી દ્વારા જવાબદાર અધિકારીઓ અને કૌભાંડીઓનો ઉધડો કેમ લેવામાં આવતો નથી તેવો સવાલ ગાંધીધામની જાગૃત જનતા પૂછી રહી છે.મનપામાં ચાલતી આવી બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ સામે વિરોધનો સૂર બુલંદ બની રહ્યો છે. જો આગામી દિવસોમાં આ બોગસ સર્ટી કાંડમાં નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે, કમિશ્નર શ્રી દેવરાએ કહ્યુ હતુ કે, તપાસ ચાલી જ રહી છે અને ટુંક સમયમાં જ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Comments