ભુજની લાલન કોલેજના વિદ્યાર્થીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ એનસીસી રાષ્ટ્રીય કેમ્પમાં ગોલ્ડ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું
ભુજ - કચ્છઉદય : ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી (જામનગર ગ્રુપ) સંલગ્ન સરકારી આર. આર. લાલન કોલેજ, ભુજના વિદ્યાર્થી વિપુલસિંહ સુરતાજી સોઢાએ રાષ્ટ્રીય કક્ષાના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત - ૧’ કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર કચ્છ જિલ્લાનું તેમજ કોલેજનું નામ રોશન કર્યું છે.
એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર અમદાવાદ (ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ ડિરેક્ટોરેટ) દ્વારા અમદાવાદ ખાતે આ પ્રતિષ્ઠિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી એનસીસી આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય વિંગના કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય કેમ્પમાં કેડેટે સાંસ્કૃતિક સ્પર્ધામાં સમગ્ર ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તેમજ બેસ્ટ કેડેટ સ્પર્ધામાં ઓલ ગુજરાત લેવલ ફાઇનલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું હતું.
કોલેજના આચાર્ય ડો. સી. એસ. ઝાલાના માર્ગદર્શન હેઠળ કેડેટ વિપુલસિંહે આ સિદ્ધિ હાંસલ કરી છે. કેડેટની આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ એનએસએસ કો-ઓર્ડિનેટર ડો. એમ. બી. શાહ, એનસીસી ઓફિસર પ્રદીપસિંહ જાડેજા, સીટીઓ પી.પી. ઝાલા, ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી ભુજના અધિકારીઓ તેમજ સમગ્ર કોલેજ પરિવારે તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
--------

Comments