Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની આંગણવાડીઓમાં બાળકો અને કિશોરીઓ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજન સાથે ચિત્ર સ્પર્ધા યોજાઈ

29 September


ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય પોષણ માહ - ૨૦૨૬ અને ‘આંગણોત્સવ- ૨૦૨૬’ ના સંદર્ભમાં ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે બાળકો અને કિશોરીઓની સર્જનાત્મકતા તેમજ કલાને પ્રોત્સાહિત કરવા અને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાના ભવ્ય આયોજન સાથે કચ્છ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં એક વિશાળ ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પોષણ માહની થીમ આધારિત આ ખાસ ઝુંબેશમાં ૩ થી૬ વર્ષના ભૂલકાંઓ માટે ’બાળપણના વિકાસ, પોષણ અને પ્રારંભિક ઉત્તેજના’ અંતર્ગત ’આનંદ અને ઉમંગના રંગો’ થીમ પર સર્જનાત્મક ચિત્રકામ પ્રવૃત્તિ યોજાઈ હતી. ચિત્રકામએ બાળકોની સૌથી મનપસંદ પ્રવૃત્તિ હોવાથી, તેનાથી તેમના સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય છે અને તેમની અંદર રહેલી કલાત્મક નિપુણતા, સ્વ-અભિવ્યક્તિ તથા આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળે છે. આંગણવાડીમાં પ્રી-સ્કૂલ કિટ હેઠળ આપવામાં આવેલા કલર અને ચિત્રપોથીનો ઉપયોગ કરીને ભૂલકાંઓએ ખૂબ ઉત્સાહભેર ચિત્રોમાં રંગો પૂરી પોતાની કલા દર્શાવી હતી. ભાગ લેનાર તમામ ભૂલકાંઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ગુજરાત સરકારની કિશોરીઓ માટેની ‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓના પોષણ, આરોગ્ય, શિક્ષણ, જીવન કૌશલ્ય અને સશક્તિકરણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક રાજ્યવ્યાપી વર્તણૂક પરિવર્તન સંચાર આંદોલન ઊભું કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો મારફતે આરોગ્ય અને પોષણ વિષય પર વિશાળ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કિશોરીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. સ્પર્ધાના માધ્યમથી કિશોરીઓને પોષણ સંબંધિત પૂરતું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પોષણ થાળી ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરીઓમાં પોષણ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાનો અને તેમની સર્જનાત્મક ક્ષમતાઓ ખીલવવાનો હતો. આ  વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ઐતિહાસિક પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર કચ્છ જિલ્લાનીઆંગળવાડીમાં અંદાજીત ૪૫૦૦૦ બાળકો અને ૪૮૦૦૦ કિશોરીઓએ અત્યંત ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
----------

Comments

COMMENT / REPLY FROM