પાલારા જેલની જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફર્યું
મહિલા આશ્રમ પાસે ૩૬ ક્વાર્ટરની સામે આવેલી જમીન પરથી ચાની હોટલ, ૨ ઓરડી અને સર્વિસ સ્ટેશન સહિતના દબાણો દૂર કરાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની કામગીરી
ભુજ - કચ્છઉદય : ભુજમાં નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના દબાણો દૂર કર્યા બાદ હવે અન્ય સરકારી જમીનો પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી તેજ બનાવાઈ છે. જે અંતર્ગત મંગળવારે પાલારા જેલની માલિકીની જમીન પર કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવેલું દબાણ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજમાં મહિલા આશ્રમ પાસે અને ૩૬ ક્વાર્ટરની સામે આવેલી પાલારા જેલની માલિકીની જમીન પર છેલ્લા કેટલાક સમયથી ચાની હોટલ સહિતના પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા. આ સરકારી જમીન પરના અતિક્રમણ મામલે પાલારા ખાસ જેલ પ્રશાસન દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણકારોને નોટિસ ફટકારીને ગેરકાયદે બાંધકામ દૂર કરી લેવા તાકીદ કરવામાં આવી હતી. આજે મંગળવારે નગર પાલિકાની ટીમે સ્થળ પર
પહોંચીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આગળના ભાગે નાળાની બાજુમાં આવેલી ચાની કેબિન તેમજ શેડ દબાણકારો દ્વારા સ્વેચ્છાએ ખસેડી લેવામાં આવ્યા હતા. જ્યારે જમીનના પાછળના ભાગે આવેલી ૨ ઓરડી, ચાનું કાઉન્ટર અને સર્વિસ સ્ટેશન સહિતના પાકા બાંધકામો નગરપાલિકાના જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. નગરપાલિકાની આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરી આ સરકારી જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરવામાં આવી છે. દબાણ હટ્યા બાદ હવે પાલારા જેલ પ્રશાસન દ્વારા આ જમીનનો વિધિવત કબજો લઈ લેવામાં આવશે.

Comments