Trending News
ક્રાઈમ

ભચાઉના મનફરામાં જીવિત મહિલાનું બોગસ મરણ પ્રમાણપત્ર રજૂ કરી જમીન પચાવી પાડવાનો કારસો

28 September



ભુજ : ભચાઉ તાલુકાના મનફરા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ એક નવો કીમિયો અજમાવ્યો છે. જમીનના અસલી માલિક જીવિત હોવા છતાં, મહારાષ્ટ્રનું બોગસ મરણ પ્રમાણપત્ર ઊભું કરી તેમની વારસાઈની નોંધ પડાવી લેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં કેસની પેરવી કરી રહેલા એડવોકેટે પ્રાંત અધિકારી અને કચ્છ કલેક્ટર પર પણ ભૂમાફિયાઓ સાથે મળી ગયા હોવાના અને ભ્રષ્ટાચાર આચર્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, સામે પક્ષે જિલ્લા કલેક્ટરે પણ વકીલ અને અરજદારની વર્તણૂક પર સવાલો ઉઠાવ્યા છે.
ભચાઉ તાલુકાના મનફરા ગામે સીમ સર્વે નંબર ૨૯૭ની કિંમતી જમીન આવેલી છે, જેના અસલી માલિક જવેરબેન ધના ગાલા અને મોંઘીબેન ધના ગાલા છે. વકીલ રામજી કટુઆએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૨૩માં ભૂમાફિયાઓએ બોગસ આધારો ઊભા કરીને જમીનનો બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવી ખોટી નોંધ પડાવી દીધી હતી. જોકે, તે સમયે પ્રાંત અધિકારીની કોર્ટમાં અસલી માલિકની તરફેણમાં હુકમ કરી આ વેચાણ નોંધ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ, જમીન પચાવી પાડવાના ઈરાદાથી ભૂમાફિયાઓએ જવેરબેનનું ખોટું મરણ પ્રમાણપત્ર રજૂ કરીને વારસાઈની નોંધ કરાવી લીધી હતી. વકીલના જણાવ્યા અનુસાર, આ પ્રમાણપત્ર મહારાષ્ટ્રનું છે અને તેના સિરિયલ નંબરની ઓનલાઈન ખરાઈ કરતાં તેમાં અસલ નામ જેનેરી જેવાભાલ છેડા જોવા મળે છે. આમ, અસલ પ્રમાણપત્રમાં છેડછાડ કરી જવેરબેનનું નામ ઉમેરી દેવાયું છે. તેમ છતાં, પ્રાંત અધિકારી અને ત્યારબાદ કચ્છ કલેક્ટરે પણ અપીલમાં આ નકલી પ્રમાણપત્ર માન્ય રાખીને ભૂમાફિયાઓની તરફેણમાં હુકમ કર્યો હોવાનો આરોપ વકીલ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપો અંગે ખુલાસો કરતા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ દસ્તાવેજ સાચો છે કે નકલી તેની ખરાઈ કરવાની સત્તા મહેસૂલી કોર્ટને નહીં, પરંતુ સિવિલ કોર્ટને હોય છે. આ અંગે અરજદાર દ્વારા હજુ સુધી કોઈ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી નથી કે સિવિલ કોર્ટમાં દાવો પણ કરાયો નથી.
કલેક્ટરે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ કેસ વખતે વકીલે તેમની સમક્ષ અસલ વકીલાત પત્ર રજૂ કર્યું નહોતું અને વકીલાતનામામાં ખોટી સહીઓ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. વળી, જવેરબેનના કોટડી ગામના સરનામે મોકલાયેલી નોટિસ પણ આ નામની કોઈ વ્યક્તિ રહેતી નથી તેવા શેરા સાથે પરત ફરી હતી. મહેસૂલી કોર્ટમાં કેસ ચાલ્યો તે દરમિયાન અરજદાર એકપણ મુદતે હાજર રહ્યા ન હતા, જે બાબત પણ સૂચક છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં અરજદારના વકીલ અને અન્ય વાંધેદારોની સંડોવણી ચકાસીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ અહેવાલ રજૂ કરવા પાત્ર છે કે કેમ, તે અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરે ભચાઉ મામલતદારને સૂચના આપી છે. એક તરફ કિંમતી જમીનનો વિવાદ અને બીજી તરફ વહીવટી તંત્ર તેમજ વકીલ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી સમગ્ર પંથકમાં આ કેસ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 

Comments

COMMENT / REPLY FROM