પટેલ ચોવીસીમાં રંગત જમાવતી એસકેએલપીએસ મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ
નીલેશ વરસાણીની તોફાની સદી : જનક પિંડોરિયાનું ૯૬ રન અને ૪ વિકેટ સાથે ઓલરાઉન્ડ ધમાકા સમાન પ્રદર્શન : માંડવી-એ, સુખપર રોહા અને સુરજપરનો ભવ્ય વિજય : આજે બળદિયા, માનકુવા અને દહીંસરા ગ્રાઉન્ડ પર રમાશે હાઈ-વોલ્ટેજ મુકાબલા
ભુજ - કચ્છઉદય : શ્રી કચ્છી લેવા પટેલ સમાજ આયોજિત અને પર્ફેક્ટ ગ્લેઝ તેમજ પર્ફેક્ટ કિચન સ્પોન્સર્ડ ’એસકેએલપીએસ મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૦૨૬’ (ચોવીસી ક્રિકેટ ટૂર્નામેન્ટ) માં રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે વિવિધ ગ્રાઉન્ડ્સ પર રમાયેલા બપોરના સત્રના મુકાબલાઓમાં બેટિંગ અને બોલિંગના અદ્ભુત રેકોર્ડ્સ નોંધાયા હતા, જેમાં નીલેશ વરસાણીની તોફાની સદી અને જનક પિંડોરિયાનું સરાહનીય ઓલરાઉન્ડ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ બળદિયા ખાતે રમાયેલી મેચમાં શ્રી હરિ સ્પોર્ટ્સ ટ્રસ્ટ સુરજપરે બાળ ઘનશ્યામ વેકરા સામે ૯ વિકેટે મોટો વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેકરાની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ભાવેશ કેરાઈએ ૪૪ રન બનાવ્યા હતા. સુરજપર વતી જનક પિંડોરિયાએ શાનદાર બોલિંગ કરતા ૪ ઓવરમાં ૧ મેડન સાથે માત્ર ૧૨ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સુરજપરની ટીમે માત્ર ૧૦ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૧૨૮ રન બનાવી વિજય મેળવ્યો હતો. સુરજપરના જનક પિંડોરિયાએ માત્ર ૩૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૧૧ ગગનચુંબી છગ્ગાની મદદથી અવિશ્વસનીય ૯૬ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. બોલિંગ અને બેટિંગ બંનેમાં અદ્ભુત પ્રદર્શન કરનાર જનક પિંડોરિયાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.
અમર રામ હરી સરોવર ક્રિકેટ ગ્રાઉન્ડ દહીંસરા ખાતે રમાયેલા હાઈ-સ્કોરિંગ મુકાબલામાં સહજાનંદ ઈલેવન સુખપર રોહાએ ભુજ નગર સામે ૫ વિકેટે સનસનાટીભર્યો વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભુજ નગરની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૭ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેમાં પુરસોતમ વેકરિયાએ ૪૩ બોલમાં ૬૩ રનનું યોગદાન આપ્યું હતું. સુખપર રોહા તરફથી ધર્મેશ ભુડિયાએ ૨૬ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. ૧૯૮ રનના વિશાળ વિજયી લક્ષ્યાંકને સુખપર રોહાની ટીમે ૧૭ ઓવરમાં જ ૫ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. સુખપર રોહાના નીલેશ વરસાણીએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા માત્ર ૪૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૧૦૫ રનની અદ્ભુત સદી ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
શ્રી વિચ્ચેશ્વર મહાદેવ ક્રિકેટ ગ્રાઉન્ડ માનકુવા ખાતે ખેલાયેલા મુકાબલામાં માંડવી લેવા પટેલ સમાજ-એ ટીમે ક્રિષ્ના ઈલેવન નારણપર-બી ને ૩૩ રને પરાજય આપ્યો હતો. માંડવી-એ ની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૬ રન બનાવ્યા હતા, જેમાં નેમિશ ગજપરિયાએ ૨૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. નારણપર વતી દેવશી કેરાઈએ ૨૯ રનમાં ૩ વિકેટ લીધી હતી. ૧૮૭ રનના લક્ષ્યાંક સામે નારણપર-બી ની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૩ રન જ બનાવી શકી હતી, જેમાં નયન કેરાઈના ૬૨ બોલમાં ૮૩ રન મુખ્યા હતા. માંડવી-એ ના નીતેશ હીરાણી (દિંડા) એ ૨૮ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આ મેચમાં બહેતરીન બેટિંગ કરનાર નેમિશ ગજપરિયા પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.
ટૂર્નામેન્ટના આજના દિવસે ૨૮ સપ્ટેમ્બર, સોમવારના રોજ પણ રોમાંચક મુકાબલાઓ રમાઈ રહ્યા છે. અમર રામ હરી સરોવર ગ્રાઉન્ડ દહીંસરા ખાતે સવારે નારણપર-એ વિ.સરલી વચ્ચે મુકાબલો રમાયો હતો, જ્યારે બપોરે ભારાપર-માંડવી વિ. રામપર-બી વચ્ચે ટક્કર થશે. શ્રી વિચ્ચેશ્વર મહાદેવ ગ્રાઉન્ડ માનકુવા ખાતે સવારે ભારાસર વિ. સામત્રા વચ્ચે મેચ રમાઈ હતી. તે જ રીતે શ્રી સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ બળદિયા ખાતે બપોરે બળદિયા-એ વિ.માધાપર-બી વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ ખેલાશે.
--------

Comments