કચ્છ યુનિવર્સીટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આપઘાત નિવારણ જાગૃતિ અંગે તાલીમ વર્કશોપ યોજાયો
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટીના મનોવિજ્ઞાન અને કચ્છ સ્યુસાઈડ ફોરમના સયુંકત ઉપક્રમે વિશ્વ આપઘાત નિવારણ દિવસે એક દિવસીય આપઘાત નિવારણ જાગૃતિ તાલીમ વર્કશોપ માનનીય કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને કુલસચિવ ડૉ. અનિલભાઈ ગોર સાહેબના અધ્યક્ષ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભુજના જાણીતા મનોચિકિત્સક ડૉ. પંડિત દેવજ્યોતિ શર્મા અને રાષ્ટ્રીય સ્યુસાઈડ ફોરમના પ્રતિનિધિ હેમંતભાઈ ઠક્કર, કચ્છ સ્યુસાઈડ ફોરમના પ્રમુખ ડૉ. સુરેશભાઈ પટેલ, જયંતીભાઈ ભાઘેલા, લીલાબેન ઠક્કર અને પલ્લવીબેન રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત યુનિવર્સીટી સોંગ, દીપ પ્રાગટ્ય કરી મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્પેશ કોતર દ્વારા આવેલ મહેમાનનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કરી આપઘાત નિવારણ જાગૃતિ માટે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો જેવા કે ભુજ શહેરની વિવિધ શાળામાં જઈ નાટકો દ્વારા વિધાથીઓ અને વાલીમાં જાગૃતતા લાવવા માટે માહિતી આપી આ કાર્ય દરેક લોકોની સામાજિક જવાબદારી છે તે માટે આહ્વાન કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી યુનિવર્સીટીના કુલસચિવ ડૉ. અનિલ ગોરે જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન અમૂલ્ય છે. આપઘાત એક વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે તેને અટકાવવી એ સૌની જવાબદારી છે અને આવા સામાજિક કાર્ય માટેની પહેલ માટે મનોવિજ્ઞાન વિભાગને અભિનંદન આપ્યા હતા.
ત્યારબાદ તાલીમ વર્કશોપના વક્તા ભુજના જાણીતા મનોચિકિત્સક ડૉ. પંડિત દેવજ્યોતિ શર્માએ આપઘાત અટકાવવા માટેની વિવિધ માહિતી આપી હતી તેમણે લાઈફ સ્કિલ્સ ડાયનામિક મેડિટેશન ગેટકિપર વિશે તાલીમ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશર કશીશ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ડૉ. મનોજભાઈ ગામીત દ્વારા કરવામાં આવી હતી.
------

Comments