કચ્છમાં સંરક્ષણ દળની ભરતી માટે ૩૦ દિવસની નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મિલિટરી, પેરા મિલિટરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવા સંરક્ષણ દળમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૩૦ દિવસની નિઃશુલ્ક બીએસએફ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ દરમિયાન ઉમેદવારોને લેખિત અને શારીરિક તૈયારીઓ કરાવવામાં આવશે તેમજ નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને રૂ. ૩,૦૦૦નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તાલીમમાં જોડાવા માટે ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઊંચાઈ ૧૬૮ સે.મી., છાતી ૭૭-૮૨ સે.મી. તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-૧૦માં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તમામ વિષયોમાં ૩૩ ટકા ગુણ સાથે પાસ હોવું અનિવાર્ય છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ધોરણ-૧૦/૧૨ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઓળખ પુરાવાના આધાર પુરાવા, બેંક પાસબુક અને પાનકાર્ડની નકલ સાથે ૨૦ દિવસમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભુજ ખાતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી અને અરજી ફોર્મ માટે કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકાશે.
------

Comments