મુંદરામાં ખજૂરકાંડ : એજન્સીએ ‘ગણેશ’ના પણ ૬ કન્ટેઈનરો અટકાવ્યાની ચર્ચા
ગાંધીધામ : મુંદરામાં સામે આવેલા ચકચારી ખજૂરકાંડમાં તપાસ એજન્સીઓ દ્વારા સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, તપાસ એજન્સીએ આ પ્રકરણમાં ‘ગણેશ’ નામના શંકાસ્પદ આસામીના પણ ૬ જેટલા કન્ટેઈનરો અટકાવ્યા હોવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હાલ આ કન્ટેઈનરોનું વિગતવાર એક્ઝામિનેશન (તપાસ) ચાલી રહ્યું હોવાથી તપાસ એજન્સીના અધિકારીઓ પણ આ મામલે મગનું નામ મરી પાડવાનું ટાળી રહ્યા છે. પરંતુ કન્ટ્રી ઓફ ઓરીજીનનો ખેલ આ કાંડમા પણ સામે આવવા પામી રહ્યો હોવાની ગંધ એજન્સીને આવી ગઈ છે. ખજુરનો મોટો જથ્થો પાકીસ્તાનથી જ મંગાવાયો હશે અને તેને અન્ય દેશથી આયાત કર્યો હોવાનુ કહી અને ર૦૦ ટકા ડયુટી બચાવી અને ચાંઉ કરવાની વેતરણ જ સામે આવવા પામી રહી હોવાનુ ચર્ચાય છે. ગાંધીધામ-કંડલાના ખજુરકાંડ બાદ મુંદરામાં પણ ખજુર કાંડના કન્ટેઈનરો અટકાવાયા છે અને આ પ્રકરણમાં પણ ટુંક સમયમાં જ સત્તાવાર ખુલાસા થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
.................
કાસેઝમાં ગણેશનું કયું યુનિટ? કસ્ટમ અને સેઝ પ્રશાસન કેમ ન આદરે ઝિણવટભરી તપાસ?
ગાંધીધામ : મુંદરામાં સામે આવેલા ચર્ચાસ્પદ ખજૂરકાંડ બાદ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ફરી એકવાર વિવાદોના વટોળમાં ઘેરાયું છે. ભૂતકાળમાં સોપારીકાંડમાં ચમકેલા ‘ગણેશ’ નામના શંકાસ્પદ આસામીના કાસેઝમાં આવેલા યુનિટ અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્થાનિક વર્તુળોમાં ઉઠેલા સવાલો મુજબ, કાસેઝ વિસ્તારમાં ગણેશ સાથે સંકળાયેલું કયું ચોક્કસ યુનિટ ચાલી રહ્યું છે અને ત્યાંથી કેવા પ્રકારની આયાત-નિકાસ કે પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. ભૂતકાળમાં અનેક વિવાદોમાં નામ ઉછળ્યું હોવા છતાં કાસેઝ પ્રશાસન કે કસ્ટમ વિભાગ દ્વારા આ યુનિટ સામે શા માટે કોઈ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતી નથી, તે બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.કાસેઝ અને મુંદરા પોર્ટ વિસ્તારમાં સતત સામે આવતા મિસડીકલેરેશન અને બોગસ કાગળોના કૌભાંડોમાં જૂના ખેલાડીઓની સક્રિયતા છતાં જવાબદાર એજન્સીઓ મગનું નામ મરી
પાડવાનું ટાળી રહી છે. જો કસ્ટમ વિભાગ અને સેઝ પ્રશાસન દ્વારા ગણેશના તમામ યુનિટો, તેના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના રેકોર્ડ અને ભૌતિક જથ્થાની નિષ્પક્ષ અને ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
..........
કસ્ટમના ભ્રષ્ટ તત્વોની ભૂમિકા સામે પણ સવાલો
ગાંધીધામ : આ સમગ્ર રેકેટમાં કસ્ટમ વિભાગના કેટલાક સ્થાનિક જવાબદાર અને ભ્રષ્ટ તત્વોની મિલીભગત વગર આટલા મોટા પાયે ગેરરીતિ આચરવી શક્ય જ નથી. જો આ કેસમાં કડક હાથે તપાસ આગળ વધારવામાં આવશે તો કસ્ટમ વિભાગના પણ અનેક ચર્ચિત અને ભ્રષ્ટ અધિકારીઓના નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
................a
કાસેઝમાં અગાઉ સોપારીકાંડમાં ચમકી ચૂક્યો છે ગણેશ
ગાંધીધામ : અત્રે નોંધનીય છે કે, કાસેઝ વિસ્તારમાં અગાઉ સામે આવેલા કરોડો રૂપિયાના ચર્ચાસ્પદ સોપારીકાંડમાં પણ ગણેશનું નામ બહાર આવી ચૂક્યું હોવાનુ મનાય છે. અગાઉના કૌભાંડોમાં સંડોવાયેલા આ તત્વો ફરી એકવાર ખજૂરકાંડમાં સક્રિય થયા હોવાની શંકાએ એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે.

Comments