રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણપર્વ ભાવભેર ઉજવાશે
પારસધામ - ઘાટકોપર મધ્યે ચાતુર્માસ : દેશ-વિદેશના હજારો ભાવિકોની ઉપસ્થિતિ : એક સાથે ૧૧૦૦૦ ભાવિકો સમુહમાં સંવત્સરી પ્રતિક્રમણમાં જોડાશે
ભુજ-કચ્છઉદય : જૈનોના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણના પડઘમ વાગી ચુકયા છે. સમસ્ત જૈન સમાજ આ મહાપર્વની ઉજવણી માટે જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપના માધ્યમે જોડાઈ જવા તત્પર બન્યો છે. ત્યારે ભાવિકજનોની વર્ષોની લાગણીને માન આપીને ૧૪-૧૪ વરસના લાંબા સમયગાળા બાદ ચાતુર્માસિક નિશ્રા પ્રદાન કરનાર રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ઘાટકોપર- પારસધામ મધ્યે આ વર્ષના ચાતુર્માસમાં દેશ-વિદેશના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં મહાપર્વ પર્યુષણની અનેરા ભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પર્વની ઉજવણી અંતર્ગત હજારો ભાવિકોના આગમને સંપૂર્ણ વ્યવસ્થાની તડામાર તૈયારી થઈ ચુકી છે.
તા. ૮-૯ થી ૧પ-૯ દરમ્યાન સંસારની માયાજાળથી મુક્ત બની નૈસર્ગિક વાતાવરણ અને ધર્મમય માહોલમાં એક જ સ્થળે સ્થિરતા કરી સેંકડો ભાવિકો આત્મિક ધર્મારાધનામાં લીન બની જઈ આ ભવ-પરભવનું પુણ્યનુું ભાથું બાંધશે. આરાધ્ય ભક્તિ પાર્ક, પોલીસ હોકી ગ્રાઉન્ડના વિશાળ ડોમમાં સમગ્ર પર્વ દરમ્યાન પ્રતિદિન સવારે મેડિટેશનની શરૂઆતથી લઈ સંધ્યા લગીના ભરચક કાર્યક્રમોમાં મંત્ર સાધના, પૂ.ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.ના પ્રવચનો, પ્રતક્રમણ, નિત્ય સંધ્યા ભક્તિ, ગુરૂદેવનું પ્રવચન સહિત મહાવીર જયંતીએ પ્રભુવીરના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે મહાપર્વના અંતિમ દિને ૧૧૦૦૦ ભાવિકોની એક સાથે સમુહમાં સંવત્વરીક પ્રતિક્રમણ આરાધના સહિતના કાર્યક્રમો યોજાશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના વિવિધ સેન્ટરો સહિત દિલ્હી, મુંબઈ, કલકતા, રાજકોટ તેમજ વિદેશથી અનેક દેશોના ભાવિકો આ પર્વની ઉજવણીમાં સામેલ થનાર હોવાનું રમેશભાઈ વોરાની યાદીમાં જણાવાયું છે.
--------

Comments