Trending News
સ્થાનિક સમાચાર

અદાલતોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહિડાનો આદેશ

03 September


ભુજ સેશન્સ કોર્ટની ઘટના બાદ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષસ્થાને હાઈલેવલ બેઠક યોજાઈ : અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરી સ્પીડી ટ્રાયલ ચલાવવા હુકમ 

ભુજ - કચ્છઉદય : ભુજ સેશન્સ કોર્ટ પરિસરમાં ગઈકાલે બનેલી ગંભીર ઘટનાને પગલે આજે સવારે ભુજ ખાતેના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.પી. મહિડાના અધ્યક્ષસ્થાને એક તાકીદની ખાસ બેઠક યોજાઈ હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની ચેમ્બરમાં યોજાયેલી આ અગત્યની સમીક્ષા બેઠકમાં જિલ્લા સરકારી વકીલ શ્રી એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ એસ.પી. શ્રી એમ. જે. ક્રિશ્ચિયન, ભુજ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી સચિન ગોર સહિત કોર્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગઈકાલની ઘટનાની ગંભીર નોંધ લઈને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે સુરક્ષા સમીક્ષા કરવામાં આવી હતી અને ન્યાયાધીશશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓને આકરા નિર્દેશો આપવામાં આવ્યા હતા.
બેઠકના પ્રારંભે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.પી. મહિડાએ ગઈકાલના બનાવમાં ત્વરિત અને સમયસૂચક દખલગીરી કરીને ખૂન જેવા અત્યંત ગંભીર ગુનાને અટકાવવા બદલ તેમજ એક વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવવા બદલ ઈન્ચાર્જ એસ.પી. શ્રી એમ. જે. ક્રિશ્ચિયનની સરાહનીય કામગીરીને બિરદાવી તેમની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે આ બનાવ અંગે ભુજ શહેર ’એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, આ કેસને સામાન્ય કે રૂટીન ગુના તરીકે લેવાને બદલે એક સ્પેશિયલ કેસ તરીકે ગણવામાં આવે. પોલીસે આ ગુનાની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકની તપાસ અવશ્યપણે એક સપ્તાહમાં જ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનું રહેશે, જેથી કેસની સ્પીડી ટ્રાયલ ચલાવીને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરી શકાય.
કોર્ટ પરિસરની સુરક્ષા અંગે અત્યંત કડક વલણ અપનાવતા જજશ્રીએ કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ બંને જિલ્લાના તમામ ન્યાયાલયોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે તમામ અદાલત પરિસરોમાં સઘન ચેકિંગ પ્રક્રિયા અમલી બનાવવા અને ભવિષ્યમાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ન્યાયાલયોમાં ન્યાયાધીશશ્રીઓ, સરકારી અને પ્રાઇવેટ વકીલો, કોર્ટ કર્મચારીઓ, પક્ષકારો તેમજ મહિલાઓ સહિત મુલાકાતે આવનાર તમામ નાગરિકોની સુરક્ષા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે તાકીદે તમામ જરૂરી અને નક્કર પગલાં ભરવા પોલીસ તંત્ર અને કોર્ટ પ્રશાસનને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
--------- 

Comments

COMMENT / REPLY FROM