Trending News
સ્થાનિક સમાચાર

પી.એમ. કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂત લાભાર્થીઓએ વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત

24 August


કચ્છ જિલ્લાના ૧,૫૮,૩૦૦ ખેડૂતોએ સત્વરે પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ

ભુજ - કચ્છઉદય : ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની સહાય ચૂકવણી મેળવવા વાર્ષિક ધોરણે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ દરેક નાણાંકીય વર્ષના પ્રથમ હપ્તાની ચૂકવણી પહેલાં વાર્ષિક ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે ખેડૂતોએ તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬ પછી ઈ-કેવાયસી કરાવેલ નથી અને તેમના ખાતાની સ્થિતિમાં ‘ઈ-કેવાયસીઃ હા’ દર્શાવતું હોય, તેઓએ પણ યોજનાનો લાભ સતત મેળવવા માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય રહેશે.
હાલ કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૧,૫૮,૩૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓનું વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું બાકી છે. ખેડૂતો મુખ્ય ૪ સરળ પદ્ધતિઓ દ્વારા પોતાની સુવિધા મુજબ ઈ-કેવાયસી કરાવી શકે છે. પ્રથમ પદ્ધતિ મુજબ, લાભાર્થીઓ પોતે પી.એમ. કિસાન મોબાઇલ એપ્લિકેશનમાં લોગઈન માં જઈ ‘લાભાર્થી’ વિકલ્પ પસંદ કરી શકે છે. જેમાં આધાર નંબર અથવા નોંધણી નંબર દાખલ કરી ચહેરાની ઓળખ દ્વારા લોગ-ઇન કરી અન્ય લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરીને પોતાનું તેમજ અન્ય ૧૦૦ લાભાર્થીઓનું ઈ-કેવાયસી જાતે જ કરી શકે છે. બીજી પદ્ધતિમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ નોડલ અધિકારી પી.એમ. કિસાન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતોનું ઈ-કેવાયસી કરી આપે છે. ત્રીજી પદ્ધતિ અંતર્ગત ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે રૂબરૂ જઈને બાયોમેટ્રિક આપીને ઈ-કેવાયસી પૂર્ણ કરાવી શકે છે. ચોથી પદ્ધતિ મુજબ, તાલુકા તથા જિલ્લા કક્ષાના સત્તાવાર લોગ-ઇન આઈડીમાં ‘સુધારણા મોડ્યુલ’ અંતર્ગત બાયોમેટ્રિક ઈ-કેવાયસી વિકલ્પ પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. કચ્છ જિલ્લાના કોઈપણ ખેડૂત લાભાર્થી ઈ-કેવાયસી બાકી રહેવાના કારણે આગામી હપ્તાની સહાયથી વંચિત ન રહી જાય તે માટે બાકી રહેલા તમામ ખેડૂતોને સમયસર પોતાની વાર્ષિક ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ભુજ- કચ્છ તરફથી અપીલ કરાઈ છે.
-----

Comments

COMMENT / REPLY FROM