મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે આઈજી ચિરાગ કોરડિયાની હાજરીમાં વાર્ષિક ઇન્સ્પેક્શન
પરેડથી લઈ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટની મોકડ્રિલ સુધી વિવિધ કવાયત યોજાઈ
ભુજ-કચ્છઉદય : મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) ચિરાગ કોરડિયાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજી આઈજીને સલામી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષકો (ડીવાયએસપી), પોલીસ કર્મચારીઓ અને વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈજી ચિરાગ કોરડિયાએ પોલીસ કર્મચારીઓની પરેડનું નિરીક્ષણ કરી તેમની શિસ્ત અને કામગીરીની સમીક્ષા કરી હતી. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસની વિવિધ ટીમો દ્વારા કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોડ દ્વારા ગુનાના સ્થળે આરોપીની શોધખોળ સહિતની કામગીરી અને બોમ્બ સ્કવોડ દ્વારા શંકાસ્પદ વસ્તુ તથા વિસ્ફોટક અંગે હાથ ધરાતી કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી, ગુનાની તપાસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કવાયત તેમજ સંવેદનશીલ પરિસ્થિતિમાં પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેનું પણ નિદર્શન કરાયું હતું પોલીસ કર્મચારીઓની શારીરિક ક્ષમતા અને તંદુરસ્તી ચકાસવા માટે વિવિધ શારીરિક કસરતો અને યોગાનું નિદર્શન કરાયું હતું. રાઇફલ ડ્રિલ સહિતની કવાયત પણ યોજાઈ હતી. પોલીસ કર્મચારીઓની શારીરિક ફિટનેસ, શિસ્ત અને કવાયત અંગે પણ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ પાસે રહેલા વિવિધ હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હથિયારોની જાળવણી, ઉપયોગ અને સલામતી અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. પોલીસ વાહનોનું પણ ચેકિંગ કરી વાહનોની સ્થિતિ, જરૂરી સાધનો અને કામગીરી માટેની સજ્જતા અંગે ચકાસણી કરવામાં આવી હતી. વાર્ષિક ઇન્સ્પેક્શનનો એક મહત્વનો ભાગ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટ જેવી ગંભીર પરિસ્થિતિમાં પોલીસની તૈયારીઓ દર્શાવતી મોકડ્રિલ રહી હતી. મોકડ્રિલ દરમિયાન અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં પોલીસ કેવી રીતે સ્થળને કોર્ડન કરે, લોકોને સુરક્ષિત કરે, આરોપીઓને ઝડપી પાડે અને બોમ્બ સ્કવોડ સહિતની ટીમો કેવી રીતે કામગીરી કરે તેનું પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત પથ્થરમારો અને હિંસક ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી લાઠી કવાયત તથા અન્ય કાયદો-વ્યવસ્થા સંબંધી કવાયતનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ તંત્રની કામગીરી, શિસ્ત, શારીરિક સજ્જતા, હથિયારોની તાલીમ, કાયદો-વ્યવસ્થા જાળવવાની ક્ષમતા અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
--------

Comments