રવિવારે નીટની પરીક્ષા યોજાશે
ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા નીટ (પીજી)-૨૦૨૬ પરીક્ષા તા.૩૦/૮ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ-ભુજની યુનિવર્સિટી કેમ્પસ, મુન્દ્રા રોડ, ભુજ કેન્દ્રની બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૩૦/૦૮ના સવારના ૬ કલાકથી બપોરના ૧૫ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવેલ છે, જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ - કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટૂથ, પેનકેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો ન લઈ જવા જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
----

Comments