Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના સંસ્કૃત વિભાગ ખાતે સંસ્કૃત શોર્ટ ફિલ્મ અને રિલ્સ નિર્માણ કાર્યશાળાનું આયોજન 

24 August


સંસ્કૃત અને ટેકનોલોજીના સમન્વયથી સમાજનું ગૌરવ 

ભુજ-કચ્છઉદય : સંસ્કૃત વિભાગ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ ખાતે એકદિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ અને રિલ્સ નિર્માણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળાના ઉદ્‌ઘાટન સમારંભમાં કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલ, જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી જી.જી. નાકર અને એસ.એસ.ભાટીસાહેબ કન્વીનર સંસ્કૃત સપ્તાહ ઉજવણી, સંસ્કૃતભારતીના પ્રતિનિધિ અખિલેશ આર્ય, વિજય વ્યાસ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
કાર્યક્રમના ઉદ્‌ઘાટન સત્રમાં પ્રતિભાગીઓને પ્રોત્સાહન આપતાં કુલપતિએ જણાવ્યું કે વેદ-ઉપનિષદોમાં જ્ઞાન-વિજ્ઞાન નિહિત છે. સંસ્કૃતને લોકભોગ્ય બનાવવાની તાતી જરૂરિયાત છે. જેના અંગરૂપ આધુનિક વિષયો અને સંસ્કૃતનો સમન્વય સધાય તો આજના સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય તેમ છે. અમેરિકા જેવા દેશોમાં પણ આજે ભગવદ્દીતા જેવા ભારતીય સંસ્કૃતિ અને વારસાના ગ્રંથો કંઠસ્થ કરવામાં આવી રહ્યા છે. સંસ્કૃત બોર્ડના પ્રતિનિધિ ઘનશ્યામ નાકરે ગુજરાત સરકારની સંસ્કૃતપ્રીતિ વિશે જણાવતાં માહિતી આપી કે સંસ્કૃત સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરે સંસ્કૃત ગૌરવયાત્રા, સંસ્કૃત સંભાષણ દિન, સંસ્કૃત પ્રદર્શની તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શાળા અને કોલેજો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ ઉત્સાહ સાથે જોડાય છે.
કાર્યક્રમના આરંભે કાર્યશાળાનો હેતુ સ્પષ્ટ કરતાં આરંભે સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. ત્રિવેદીએ જણાવ્યું કે આ કાર્યશાળા આગામી દિવસોમાં ગુજરાત ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રિય સંસ્કૃત શોર્ટ ફિલ્મ અને રિલ્સ મેકિંગ સ્પર્ધામાં અભિરુચિ ધરાવનારાઓને સમાન તક મળે તે માટેની પૂર્વ તૈયારી તેમજ સંસ્કૃત સપ્તાહમાં ઉત્કૃષ્ટ રીલ્સના માધ્યમથી સંસ્કૃત સંવાદ કરવાની તકનિકી જાણકારી, વિવિધ અભિનય અને વક્તૃત્વ વિષયો, નૃત્યના કેટલાક મૂલગામી તત્ત્વો વિશે માહિતી મળી રહે તે હેતુથી આયોજિત કરવામાં આવી છે.
આ કાર્યશાળામાં સંસ્કૃત ભારતી-કચ્છ ઉપરાંત ભુજ બ્લોગર્સ, નૃત્ય આરાધના, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, કલાક્ષેત્ર કથ્થક નૃત્ય સંસ્થાન, અપ્સરા ડાન્સ એકેડેમી જેવી સંસ્થાઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. જેમાં મિતેશ ઠાકરે ફિલ્મ સ્ક્રિપ્ટ મેકિંગ અને ટેકનિકલ એટિકેડ, પાર્થ ગોરે શોર્ટ ફિલ્મ એન્ડ રિલ્સ મેકિંગ ટેકનિક્સ, આશુતોષ ગોરે સિનેમેટોગ્રાફીના ટેકનિકલ પાસાંનું વિઝ્યુઅલ અને ફેમિંગનું પ્રેક્ટિકલ જ્ઞાન, આશના અને રિયા બારમેડાએ અભિનય કલા અને નવરસ, કૃપલ સોમપુરાએ સિનેમેટોગ્રાફી એન્ડ ડિરેકશન ઓફ ક્લાસિકલ ડાન્સ કેપ્ચરિંગ રિધમ ફ્રેમ એન્ડ ફટિંગ, વૈશાલી જેઠીએ ગ્રેસ-લાવણ્ય જેવા વિષયોનું અનુભવસિદ્ધ જ્ઞાન પૂરું પાડ્યું હતું. કાર્યશાળામાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગો, કચ્છની કોલેજોના વિદ્યાર્થીઓ, સામાજિકો તેમજ રાજકોટના મળી કુલ ૫૬ જેટલા પ્રતિભાગીઓએ નામાંકન કરાવ્યું હતું.
કાર્યશાળાને સફળ બનાવવા માટે કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. કે.એમ.ત્રિવેદીના માર્ગદર્શનમાં પ્રાધ્યાપકો ડો. પંકજ ઠાકર, ડો. મહેન્દ્ર પ્રજાપતિ, અનુસ્નાતક ભવનના નયન જેઠવા, મહાવીરસિંહ સોઢા, સુચિતા ઠક્કર, પ્રીત તિલક જેવા વિદ્યાર્થીઓ સંસ્કૃત ભારતીના અમિત ગોર, પાર્થ ગોર વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ તબક્કે કચ્છ યુનિ.ના કુલપતિ અને કુલસચિવ ડો. અનિલ ગોરે કાર્યશાળાના સફળ સંચાલન અને પ્રતિફલન માટે સંસ્કૃત વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 
-------

Comments

COMMENT / REPLY FROM