Trending News
સ્થાનિક સમાચાર

શાળાઓમાં ગુણોત્સવ સ્વ-મૂલ્યાંકન માટેની સમયમર્યાદા વધારવા માંગ

24 August


રાજ્યસંઘ દ્વારા પ્રા. શિક્ષણના અગ્ર સચિવ સમક્ષ રજૂઆત 

ગાંધીનગર-કચ્છઉદય : નવી શિક્ષણ નીતિ અન્વયે જી.સી.ઇ.આર.ટી.  ગાંધીનગર દ્વારા રાજ્યની ધો. ૧ થી ૧૨ ની  તમામ સરકારી, ખાનગી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણવતા સુધારણા માટે હાલ ગુણોત્સવનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રાજ્યની અંદાજિત ૫૪ હજાર જેટલી શાળાઓમાં ગુણોત્સવ ૨.૦ સ્વ-મૂલ્યાંકનની કામગીરી ૧૭ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીમાં દરેક શાળાઓએ પૂર્ણ કરવા શિક્ષણ તંત્ર દ્વારા જણાવવામાં આવેલ હતું. ત્યાર બાદ આ પૈકીની ૩૩ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. પરંતુ હાલ આ સ્વમુલ્યાંકનની કામગીરીમાં વિવિધ સૂચકાંકોના પુરાવારૂપે દસ્તાવેજો તૈયાર કરી પી.ડી.એફ.બનાવવી તથા ઓનલાઈન અપલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી તેમજ જટિલ હોવાથી તેમજ ચાલુ ઓગષ્ટ માસમાં આગામી દિવસોમાં વિવિધ તહેવારો અને જાહેર રજાઓના કારણે શૈક્ષણિક કાર્યના દિવસો ખૂબ ઓછા રહ્યા હોઈ આ પરિસ્થિતિમાં આચાર્યો અને શિક્ષકો ખૂબ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. 
ચાલુ ઓગષ્ટ માસમાં શાળાઓમાં ત્રિમાસિક કસોટીને લગતી કામગીરી, પ્રશ્ન પત્ર બનાવવા, ઉત્તરવહી ચકાસણી, તેની ઓનલાઈન એન્ટ્રી અને સાથે શૈક્ષણિક કાર્ય પણ હોઈ શિક્ષકો ખૂબ વ્યસ્ત રહે છે. વળી સ્વ-મૂલ્યાંકન ઓનલાઈન સર્વર ડાઉન રહેતું તેમજ ધીમુ ચાલતુ જોવા મળે છે. જેથી માહિતી અપડેટ તથા ફોટો અપલોડ કરવામાં વારંવાર ક્ષતિ આવે છે અને સમયનો ખોટો બગાડ થાય છે. શિક્ષણકાર્ય અને મૂલ્યાંકન ઉપરાંત નિયમિત વહીવટી કામગીરી પણ નિર્ધારિત સમયમર્યાદામાં કરવી આવશ્યક છે. આ બધા કારણોને ધ્યાને લઈ શિક્ષકો માનસિક તાણ વિના સ્વ-મૂલ્યાંકન અને ઓનલાઈન એન્ટ્રી સચોટ રીતે કરી શકે તે હેતુસર આ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવ અને નિયામક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. 
આ તરફ રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર શાળાઓમાં પ્રથમ સત્રમાં અભ્યાસક્રમ ઉપરાંત પ્રવેશોત્સવ, શિષ્યવૃતિ, યુ ડાયસ કામગીરી, ૧૫ ઓગસ્ટની તૈયારી, બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાની ઉજવણી, બેઝ લાઇન સર્વે, ત્રિમાસિક કસોટી જેવી અનેક કામગીરીઓ હોવાના કારણે શિક્ષકો ખૂબ જ વ્યસ્ત રહે છે ત્યારે ખરેખર ગુણોત્સવ કરવો જ હોય તો બીજા સત્રમાં યોજવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં ગુણોત્સવ થયો જ નહોતો.  દરમ્યાન કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ પણ ગુણોત્સવની વેબસાઇટ બરાબર ચાલતી ન હોવા છતાં તંત્ર દ્વારા થતા ખોટા દબાણ સામે નારાજગી દર્શાવી શિક્ષકોને નિશ્ચિંત રહેવા અને સંગઠન તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો છે. 
---------

 

Comments

COMMENT / REPLY FROM