કંડલા-મુન્દ્રા બેલ્ટમાં સ્ક્રેપ, તેલ અને કન્ટેનરમાંથી માલ સેરવી લેવાનો કાળો કારોબાર
કચ્છના હાઇવે પર સક્રિય ‘ચોરી સિન્ડિકેટ’નો આતંક
ટેન્કરોમાંથી ઇંધણની ચોરીથી લઈને કન્ટેનરના સીલ અકબંધ રાખી મોંઘી સામગ્રી સેરવી લેવાની અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી : અમુક ડ્રાઇવરોની મિલીભગત અને કાળા બજારનું મજબૂત નેટવર્ક
ગાંધીધામ - કચ્છઉદય : દેશના સૌથી મોટા બંદરો પૈકીના દીનદયાલ પોર્ટ (કંડલા) અને મુન્દ્રા પોર્ટને જોડતા નેશનલ હાઇવે તથા કન્ટેનર કોરિડોર પર છેલ્લા કેટલાક સમયથી અબજો રૂપિયાનો સમાંતર કાળો કારોબાર ધમધમી રહ્યો છે. પોર્ટ પરથી દેશના ખૂણે-ખૂણે માલસામાન લઈને નીકળતા ટેન્કરો, કન્ટેનરો અને ખુલ્લા ટ્રકોમાંથી કિંમતી સામાન સેરવી લેતી સુનિયોજિત ચોરી સિન્ડિકેટ અત્યંત સક્રિય બની છે. કેમિકલ, ખાદ્ય તેલ, ડીઝલ, મોંઘો સ્ટીલ સ્ક્રેપ અને નિકાસ માટે જતા કન્ટેનરમાંથી અબજો રૂપિયાનો માલ રસ્તામાં જ ગાયબ કરી દેવામાં આવે છે. આ સમગ્ર ખેલ હાઇવે પર આવેલા ચોક્કસ ઢાબાઓ, હોટલો અને ઝાડીઓ વાળા ગુપ્ત પંથકોમાં ડ્રાઇવરોની મિલીભગતથી રાત્રિના અંધારામાં ખેલાઈ રહ્યો છે.આ ચોરી સિન્ડિકેટની કાર્યપદ્ધતિ અત્યંત ચતુર અને ટેકનિકલ છે. ખાસ કરીને ખાદ્ય તેલ કે કેમિકલના ટેન્કરોમાંથી માલ કાઢવા માટે વાહનના અસલી લોક કે સીલ તોડવામાં આવતા નથી, પરંતુ વાલ્વ અને પાઇપલાઇનના ખાસ સાંધા ખોલીને કૌશલ્યપૂર્વક સો-બસો લીટર જથ્થો કાઢી લેવાય છે. એવી જ રીતે, કન્ટેનરના દરવાજાના હિંજ (કબ્જા) માંથી પિન કાઢીને સીલ તૂટે નહીં તે રીતે કન્ટેનર ખોલી અંદરથી મોંઘા કાપડ, ઇલેક્ટ્રોનિક્સ કે કેમિકલના બોક્સ સરકાવી લેવાય છે અને બદલામાં તેટલા જ વજનના પથ્થર કે રેતીના ગુણ મૂકી દેવાય છે. આ કારણે જ્યારે કન્ટેનર તેના આખરી ડેસ્ટિનેશન કે વિદેશ પહોંચે ત્યારે જ ચોરીનો પર્દાફાશ થાય છે, જેનાથી સ્થાનિક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ વેપારીઓને મોટું આંતરરાષ્ટ્રીય નુકસાન વેઠવું પડે છે.કંડલા-મુન્દ્રા બેલ્ટમાંહાઇવે પર ચાલતા આ કાળા કારોબારમાં ટ્રાન્સપોર્ટ ટિપર, ડ્રાઇવરો અને સ્થાનિક કાળી કમાણી કરનારા માફિયાઓની મિલીભગત મુખ્ય ભાગ ભજવે છે. ડ્રાઇવરને પ્રતિ ટ્રીપ અમુક હજાર રૂપિયાની રોકડ રકમ આપીને લાલચ આપવામાં આવે છે. ત્યારબાદ ચોરી કરેલો સ્ક્રેપ, તેલ કે અન્ય કિંમતી સામાન નજીકના સ્ક્રેપ યાર્ડો અને ગેરકાયદે ગોડાઉનોમાં પહોંચાડી દેવાય છે. ત્યાંથી આ માલ સ્થાનિક બજારમાં વગર બિલિંગે અડધા ભાવે વેચી મારીને રોકડી કરી લેવામાં આવે છે. આ કાળા ધંધામાંથી મળતા વિપુલ નાણાંના જોરે સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો હાઇવે પર પોતાનું વર્ચસ્વ જાળવી
રાખે છે.પોર્ટ અને હાઇવેની સુરક્ષા માટે મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને સીઆઈએસએફ જેવી એજન્સીઓ કાર્યરત હોવા છતાં, હાઇવે પર ચોક્કસ અંતરે આવેલા ડમ્પિંગ યાર્ડો અને ઢાબાઓ પર રાત્રે ચાલતી આ પ્રવૃત્તિ પર કાયમી લગામ લગાવી શકાઈ નથી. ક્યારેક નાની-મોટી રેડ પાડીને ડીઝલ કે તેલના કેન પકડીને કેસ પૂરો કરી દેવાય છે, પરંતુ આ સમગ્ર કૌભાંડ આચરતા મુખ્ય આકાઓ સુધી તપાસના મૂળિયાં ક્યારેય પહોંચતા નથી. જો કચ્છના આંતરરાષ્ટ્રીય વ્યાપારિક રોકાણ અને હાઇવે સુરક્ષાને જાળવી રાખવી હોય તો આ ચોરી સિન્ડિકેટનો મૂળમાંથી સફાયો કરવો અત્યંત જરૂરી
બન્યો છે.
............
ઢાબા કલ્ચર અને ગેરકાયદેસર કટિંગ પોઇન્ટ્સનો ખેલ
નેશનલ હાઇવે પર ચોરીનો માલ ઉતારવા માટે ઊભા કરાયેલા ગુપ્ત મથકો
ગાંધીધામ, મુન્દ્રા, અંજાર અને માળિયા સૂરજબારી હાઇવે પર આવેલા કેટલાક ઢાબાઓ માત્ર ચા-નાસ્તા કે જમવા માટે નહીં પણ કટિંગ પોઇન્ટ તરીકે કામ કરે છે. ઢાબાની પાછળના ભાગે ઉભી કરાયેલી ઊંચી દીવાલો કે ઝાડીઓની આડમાં ટ્રકો પાર્ક કરી દેવાય છે. અહીં ચોરી માટે વિશેષ પંપ, પાઇપ અને ડ્રમ તૈયાર રાખવામાં આવે છે. માત્ર દસથી પંદર મિનિટના ગાળામાં આખી ટ્રીપમાંથી ચોક્કસ ટકાવારીનો માલ કાઢી લેવાય છે. કેટલાક કિસ્સાઓમાં તો ડ્રાઇવરો માલ ઓછો બતાવવા માટે ટેન્કરમાં ચોક્કસ પ્રમાણમાં પાણી ભેળવી દેવાની જોખમી રમત પણ રમે છે, જેનાથી મૂળ ઉત્પાદનની ગુણવત્તા બગડે છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય છે.
.............
નિકાસકારો માટે ચિંતાજનક : આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખને વટાવતો ગુનો
કન્ટેનરમાંથી સામાન ગાયબ થતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં દાવો અને ક્લેમનું જોખમ
મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી વિદેશ મોકલવામાં આવતા કન્ટેનરોમાં સીલ માર્યા પછી પણ રસ્તામાં થતી ચોરીના કારણે સ્થાનિક નિકાસકારોની મુશ્કેલીઓ વધી છે. જ્યારે વિદેશી બંદરે કન્ટેનર ખોલવામાં આવે ત્યારે અંદરથી સામાન ઓછો નીકળે અથવા માલની જગ્યાએ કચરો નીકળે ત્યારે વિદેશી બાયર્સ ઓર્ડર કેન્સલ કરે છે અને ભારતીય કંપનીઓ પર પેનલ્ટી મારે છે. આ પરિસ્થિતિ માત્ર આર્થિક નુકસાન નથી પહોંચાડતી પરંતુ વૈશ્વિક બજારમાં કચ્છ અને ભારતની નિકાસ ક્ષમતા પર મોટો દાગ લગાવે છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને શિપિંગ એજન્ટો દ્વારા અવારનવાર આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે છતાં કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી.

Comments