ગાંધીધામ આવકવેરા કાર્યાલયમાં ઓએસડી રહી ચૂકેલા જે. બી. સિંહને લાંચ કેસ માં ૩વર્ષની સખત કેદ
સીબીઆઈ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો
ફેબ્રુઆરી ૨૦૧૩માં “શ્રીલેખા વિવિધલક્ષી ચેરિટેબલ ટ્રસ્ટ”ને કરમુક્તિનું સર્ટિફિકેટ આપવાની બદલીમાં તેમણે ૧૦,૦૦૦ ની લાંચની કરી હતી માંગણી
શ્રી સિંગના ભુજ અને ગાંધીધામના કાર્યકાળ દરમિયાન વિવિધ વિવાદો પણ રહ્યા હતા વેપારી આલમમાં ચર્ચામાં
ગાંધીધામઃ ગાંધીધામ ખાતે આવકવેરા વિભાગમાં ઇન્કમટેક્સ ઓફિસર અને ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) તરીકે લાંબો સમય સેવામાં રહી ચૂકેલા પૂર્વ અધિકારી જરનૈલ બી. સિંહ (જે. બી. સિંહ) ને લાંચ કેસમાં અમદાવાદની ખાસ સીબીઆઈ અદાલતે દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ અને ૨૦,૦૦૦ ના દંડની સજા ફટકારી છે.ગાંધીધામ અને ભુજ સહિત સમગ્ર કચ્છ વિસ્તારમાં આવકવેરા વિભાગની કામગીરી દરમિયાન જે. બી. સિંહ ચેરિટેબલ ટ્રસ્ટોને આપવામાં આવતી કરમુક્તિ તથા આવકવેરા અધિનિયમની કલમ ૧૧ અને ૮૦જી હેઠળના સર્ટિફિકેટ્સ સંબંધિત મહત્વની કામગીરી સંભાળતા હતા. આ સમયગાળા દરમિયાન ફેબ્રુઆરી ૨૦૧૩માં “શ્રીલેખા વિવિધલક્ષી ચેરિટેબલ ટ્રસ્ટ”ને કરમુક્તિનું સર્ટિફિકેટ આપવાની બદલીમાં તેમણે ૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.જે-તે સમયે ટ્રસ્ટના સંચાલકો દ્વારા આ અંગે અમદાવાદ સીબીઆઈ માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે સીબીઆઈએ છટકું ગોઠવીને તત્કાલીન આઈટી ઓફિસર જે. બી. સિંહને ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.ધરપકડ બાદ સીબીઆઈ દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અદાલતમાં ચાલેલા લાંબા કાનૂની કેસમાં સીબીઆઈ પક્ષે રજૂ કરવામાં આવેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ, અમદાવાદની ખાસ સીબીઆઈ કોર્ટે આરોપી પૂર્વ અધિકારીને ભ્રષ્ટાચારના ગુનામાં તકસીરવાર ઠેરવી ૩ વર્ષની સખત કેદ અને દંડનો હુકમ કર્યો છે.
.......

Comments