મુન્દ્રાથી દુબઈ એક્સપોર્ટ થયેલા રૂ. ૧.૩૮ કરોડના બાસમતી ચોખા ચાઉંઃ દુબઈની કંપની સામે ફરિયાદ
મુન્દ્રા પોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોટું કૌભાંડ
હરિયાણાની કંપનીએ ૧૫૦ ટન બાસમતી ચોખા ભરેલા ૬ કન્ટેનર મુન્દ્રા પોર્ટથી દુબઈ મોકલ્યા હતા
દુબઈની ‘ઝમ-ઝમ અલ્ભર’ કંપનીએ બેંકમાં પેમેન્ટ કર્યા વિના જ બોગસ ડોક્યુમેન્ટથી માલ છોડાવી લીધો : શિપિંગ કંપનીના એજન્ટોની મિલીભગતથી બનાવટી ઈમેલ દ્વારા ‘બિલ ઓફ લેડિંગ’ મેળવીને ખેલ પાડ્યો
ભુજ : મુન્દ્રા પોર્ટ પરથી વિદેશમાં થતા એક્સપોર્ટના વ્યાપારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. હરિયાણાની એક ફૂડ કંપનીએ મુન્દ્રા પોર્ટ મારફતે દુબઈ ખાતે મોકલાવેલા રૂ. ૧,૩૭,૯૩,૮૫૦ ની કિંમતના ૧૫૦ ટન બાસમતી ચોખા બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાઈ છે.હરિયાણાના કરનાલ ખાતે રહેતા અને ’દુલારી ફૂડ્સ કંપની’માં બિઝનેસ હેડ તરીકે ફરજ બજાવતા પુલકીત મિત્તલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત જાન્યુઆરી-૨૦૨૬માં દુબઈમાં યોજાયેલા ગલ્ફ ફૂડ એક્ઝિબિશનમાં તેમની મુલાકાત દુબઈની ઝમ-ઝમ અલ્ભર ફિશ ટ્રેડિંગ એલ.એલ.પી.નામના પ્રતિનિધિઓ સાથે થઈ હતી. જ્યાં બંને પાર્ટીઓ વચ્ચે ૧૫૦૯ સેલા બાસમતી ચોખાનો મોટો સોદો નક્કી થયો હતો. એડવાન્સ પેમેન્ટ પેટે માત્ર ૨૦૦૦ ડોલર ચૂકવાયા હતા અને બાકીની રકમ કેશ અગેઇન્સ્ટ ડોક્યુમેન્ટ પદ્ધતિથી બેંક મારફતે ચૂકવવાની શરત રખાઈ હતી.
ફરિયાદી કંપનીએ ગત મે મહિનામાં મુન્દ્રા પોર્ટના સી.એફ.એસ. એરિયામાંથી ૧૫૦ ટન (કુલ ૩૭૫૦ બેગ) ચોખા ભરેલા ૬ કન્ટેનર દુબઈ મોકલ્યા હતા. નિયમ મુજબ આ માલ છોડાવવાના અસલ દસ્તાવેજો કરનાલની બેંક મારફતે દુબઈની બેંકમાં મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ, દુબઈની કંપનીએ સમયસર પેમેન્ટ ન ચૂકવતા ફરિયાદીએ ઓનલાઈન પોર્ટલ પર ચેક કર્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે દુબઈના ખોર ફકાન પોર્ટ પરથી ૨૬ જૂનના માલ રવાના થઈને ૮ જુલાઈએ કન્ટેનર ખાલી પણ થઈ ગયા છે. આ મામલે મુન્દ્રા પોલીસે પુલકીત મિત્તલની ફરિયાદના આધારે દુબઈની ઝમ-ઝમ અલ્ભર ફિશ ટ્રેડિંગ, ટ્રીમેક્ષ શિપિંગ અને પીગ્લોબલ કંપનીના સંચાલકો તથા તેના કર્મચારીઓ (યાશમીન, રવનીત, રીષભ, રાહુલ, વિકાસ નાયર અને અર્ષદ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
...........
કઈ રીતે આચરવામાં આવી છેતરપિંડી?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું ઘડીને દુલારી ફૂડ્સ કંપનીના બનાવટી લેટરપેડ અને એક બોગસ ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. આ બોગસ ઈમેલ દ્વારા શિપિંગ કંપનીને સૂચના આપીને માલ છોડાવવા માટેનું અતિમહત્વનું બિલ ઓફ લેડિંગ મેળવી લીધું હતું અને બેંકમાં એક પણ રૂપિયાનું પેમેન્ટ કર્યા વગર જ કરોડો રૂપિયાનો માલ ચાઉં કરી ગયા હતા.
...........

Comments