Trending News

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યક...

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ન...

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી...

કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : D...

આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્...

કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પા...

માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો

ભુજ પીજીવીસીએલમાં બોગસ મીટર કૌભાંડ- વીજચોરીમાં તોડ...

ગાગોદરના સોમાણીવાંઢમાં જુગારધામ પર દરોડો 

ગાંધીધામમાંથી ૮૦૪ કરોડ ના બોગસ સર્ટિ. કૌભાંડનો પર્...

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

સ્થાનિક સમાચાર

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિતે કચ્છમાં કળશયાત્રાની પધરામણી

22 August


મન ચંગા તો કઠૌતી મેં ગંગા. નું અદભૂત તત્વજ્ઞાન આપનાર 


ભુજ - કચ્છઉદય : વારાણસીની પાવન ભૂમિના મહાન સંત, ક્રાંતિકારી સમાજસુધારક, ભક્તિકાળના શિરમોર કવિ અને સમરસતાના પ્રખર પ્રણેતા એવા પૂજ્ય રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ભારતવર્ષમાં અનેક સ્થળોએ ભારે ભાવનાત્મક માહોલમાં ઉજવવામાં આવી હતી. સમાજમાં હજુ પણ ક્યાંક રહી ગયેલી ભેદભાવની રેખાઓને ભૂંસી નાંખીને સમરસતાને વધુ સુદ્રઢ કરવાના શુભાશયથી પૂ. મહારાજજીની જન્મભોમકા વારાણસીથી ગંગાના પાવન તટની માટી ભરેલા કળશો દેશના દરેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડે ગામડે સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેમ માટીમાં માટી ભળીને એકમેકમાં અમીટપણે સમન્વય પામી જાય છે કાંઈક એવી જ રીતે સમાજમાં સંપૂર્ણપણે સમરસતા ફેલાઈ જાય એવી ઉચ્ચ ભાવના અને દ્રષ્ટાંત સાથે આ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનોએ વસ્ત્રાલ અમદાવાદ ખાતે આયોજીત પ્રદેશ કક્ષાના કાર્યક્રમમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે માટી ભરેલ કળશને અત્યંત સન્માન અને અહોભાવ સાથે માથે ઊંચકીને સ્વીકાર્યો હતો જાણે કે સમરસતાના વિચારને આંખ માથે ચઢાવીને સ્વીકારવાના પ્રણ લીધા હોય. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત કળશયાત્રાના ઇન્ચાર્જ અને જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી તેમજ યાત્રાના સહ ઇન્ચાર્જ ડેનીભાઈ શાહ, રવિભાઈ ત્રવાડી, રવિભાઈ ગરવા અને નરેશભાઈ ફફલ સહિત વાઘજીભાઈ છાંગા અને પ્રણવભાઈ જોશી પણ સાથે જોડાયા હતા. સૌ પ્રથમ રાત્રે ભચાઉ કબીર મંદિર ખાતે આ યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો જ્યાં કળશ સ્થાપન કરીને તેનું પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે યાત્રા આગળ વધતાં ભચાઉ શહેરમાં શોભાયાત્રા સ્વરૂપે ફરી હતી, જ્યાં ઠેર ઠેર સ્વાગત અને આવકાર બાદ ભચાઉ તાલુકાના ચીરઈ સ્થિત કબીર મંદિર થઈને ગાંધીધામ તાલુકાના પડાણા ગામે રામદેવપીર મંદિર ખાતે પહોંચી હતી.
ગાંધીધામ શહેર ખાતે પહોંચેલી યાત્રાનું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિવિધ ધર્મગુરૂઓ, સામાજીક સંસ્થાઓના આગેવાનો, વ્યાપારી મંડળો તેમજ પાર્ટીના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સામૈયા સ્વરૂપે યાત્રા ગાંધીધામના મુખ્ય માર્ગોથી પસાર થઇને પંચમુખી હનુમાન મંદિર ખાતે પહોંચી હતી જ્યાં પૂજ્ય મહંત દ્વારા કળશને વધાવ્યા બાદ આખરે વિવેકાનંદજીની પ્રતિમા પાસે યાત્રા ગાંધીધામમાં વિરામ પામી હતી.
અંજાર શહેર ખાતે જડેશ્વર મહાદેવ ખાતે યાત્રાને વધાવાયા બાદ આગળ વધીને યાત્રા સાપેડા રામદેવપીર મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાંથી આગળ વધતાં અંતે માધાપર પોલીસ ચોકી પાસે યાત્રા હર્ષ ઉમંગ સાથે પધારી હતી જ્યાં ભુજ શહેર અને તાલુકા ભાજપ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે યક્ષ મંદિર માધાપર સુધી શોભાયાત્રા પસાર થઈ હતી જેમાં બહોળી સંખ્યામાં સૌ આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.
યક્ષ મંદિર ખાતે કળશયાત્રાના અનુસંધાને એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએપીએસ મંદિરના સંતો, મહેશ્વરી સમાજના મહંતો સહિતના વિવિધ ધર્મગુરુઓએ ખાસ પધારીને યાત્રાની સાફલ્યતા માટે આશીર્વાદ પ્રદાન કર્યા હતા. સમારંભ સ્થળે જ પૂજનીય સંતગણના વરદહસ્તે મુખ્ય કળશમાંથી ૧૭ અન્ય કળશ બનાવીને પ્રત્યેક મંડલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા જે પૈકી પ્રત્યેક મંડલમાંથી પ્રતિનિધિ સ્વરૂપે હાજર રહેલા દસ દસ પ્રતિનિધિઓને જે તે મંડલોના કળશ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગ્રામ્યસ્તરની કળશ યાત્રાઓના માધ્યમથી આ કળશો કચ્છભરની પ્રત્યેક ગ્રામ પંચાયતો સુધી પહોંચી ચૂક્યા છે અને સાથોસાથ સમરસતાનો સંદેશ પણ છેક ભૂસ્તર સુધી પ્રસરાવવામાં આવ્યો છે. તમામ નગરપાલિકાઓના પ્રત્યેક વોર્ડમાં પણ કળશયાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વારાણસીના વિભૂતિ એવા મહર્ષિ પૂજ્ય રવિદાસજી મહારાજની ચેતના આજે ૬૫૦ વર્ષે પણ સમાજમાં ધરાતલ સુધી જીવંતપણે ધબકી રહી છે ત્યારે આ કળશયાત્રાના માધ્યમથી સમરસતાના વિચારને બળવતર વેગ મળશે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમરસતા વાસ્તવમાં એક પ્રથા કે રિવાજ નહીં પરંતુ જન જનનો સ્વભાવ હોવી જોઈએ. સમરસતા એ તટસ્થ સમાજવ્યવસ્થાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. સાંસદ વિનોદભાઈ ચાવડા જણાવ્યું હતું કે પૂજ્ય રવિદાસજી મહારાજ જેવા સંતો થકી જ ભારતીય સંસ્કૃતિ આજે અખંડ અને અક્ષુણ્ણ રહી છે. એમનું જીવન ચરિત્ર જ આપણા સૌને સમરસતાની અવિરત પ્રેરણા પૂરી પાડે છે. ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને માલતીબેન મહેશ્વરીએ પણ તેમના પ્રાસંગિક ઉદ્બોધનોમાં પૂજ્ય રવિદાસજી મહારાજની મહાનતાને યાદ કરીને તેમણે પ્રશસ્ત કરેલા માર્ગે આગળ વધવા સૌને આહવાન કર્યું હતું. યાત્રા દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રભાબેન હુણ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પ્રદેશના આગેવાન અરજણભાઈ રબારી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી,  જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રીકમદાસજી મહારાજ, ખીમજીભાઇ માતંગ સહિતના આગેવાનો, ધર્મગુરુઓ, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરસભાના સુચારુ આયોજન માટે ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર ઉપરાંત અનિલભાઈ છત્રાળા અને જયદીપસિંહ જાડેજા જ્યારે ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ અશોકભાઈ બરાડીયા સહિત દિનેશભાઇ ઠક્કર અને પ્રાણભાઈ નામોરીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે અને આભારવિધિ યાત્રા ઇન્ચાર્જ અશોકભાઈ હાથીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
-------

Comments

COMMENT / REPLY FROM