ભાવનગરના દર્દનાક લઠ્ઠાકાંડના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત : પૂર્વ-પશ્ચિમ કચ્છમાં દારૂની તંગી
પોલીસ એક્શન મોડમાં, દારૂના અડ્ડાઓ પર વ્યાપક દરોડાથી બુટલેગરોમાં સોપો
બુટલેગરોની બકરી ડબ્બામાં, ગાપટાં કરનારાઓને બખ્ખા, પ્યાસીઓ અકળામણમાં : દારૂની માંગ સામે સપ્લાય નહીવત રહેતા ભાવમાં આવ્યો ઉછાળો : મોટી લાઈનનો કરોડોનો આવતો દારૂ હાલમાં ઠપ્પ હોવાનો વર્તારા : લાઈનનો મોટેા દારૂ લાવવાનો પ્રયાસ થાય છે તે પણ પકડાઈ રહ્યા છે, અંજારથી મુંદરા અને ત્યાથી ભુજ જતો ૧૬ લાખનો દારૂ પ્રાગપર પોલીસે પકડી જ લીધો ને..!
બુટલેગરોને તો બે બાજુએ માર પડયો છે : પોલીસ પૈસા પણ લઈ ગઈ અને લઠ્ઠાકાંડના બહાને ધંધા પણ બંધ કરાવી ગઈ?
ગાંધીધામ : ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર રાજ્ય સહિત સરહદી જિલ્લા કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાતો સાથે અનુભવાઈ રહ્યા છે. આ કરૂણાંતિકા બાદ ગૃહ વિભાગની કડક સૂચનાને પગલે કચ્છ પૂર્વ અને પશ્ચિમ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લાભરમાં દેશી તેમજ વિદેશી દારૂના નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એસપી કક્ષાએથી તમામ પોલીસ મથકોને સઘન ચેકિંગ અને દરોડા પાડવાના સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે.સમગ્ર જિલ્લામાં હાઇએલર્ટ, સરહદી ચેકપોસ્ટો પર સઘન બંદોબસ્ત તૈનાત કરવામા આવ્યો છે. ભાવનગરની ઘટના બાદ કચ્છ પોલીસ હરકતમાં આવી છે. ગાંધીધામ (પૂર્વ કચ્છ) અને ભુજ (પશ્ચિમ કચ્છ) બંને પોલીસ વિભાગો દ્વારા પોતપોતાના વિસ્તારમાં દારૂના સંભવિત અડ્ડાઓ, ભટ્ઠીઓ અને બૂટલેગરોના ઠેકાણાઓ પર દરોડાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને રણ વિસ્તાર અને દરિયાઈ સરહદ ધરાવતા કચ્છમાં બહારથી ઘૂસાડવામાં આવતા ગેરકાયદે કેમિકલ અને દારૂના જથ્થાને રોકવા માટે આંતર-જિલ્લા તથા આંતર-રાજ્ય ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ સઘન બનાવી દેવાયું છે.પોલીસ કાફલાએ પ્રોહિબિશનના જૂના ગુનેગારો અને શંકાસ્પદ ઈસમોની યાદી તૈયાર કરી તેમની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આ
ઉપરાંત, ઝેરી કેમિકલ યુક્ત દેશી દારૂના કારણે થતી હોનારતો અટકાવવા માટે સ્થાનિક સોશિયલ ઈન્ટેલિજન્સને પણ સક્રિય કરવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે સ્પષ્ટ ચિમકી આપી છે કે દારૂના વેપાર સાથે સંકળાયેલા કોઈપણ નાના-મોટા તત્વોને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે પાસા સહિતના કડક કાયદાકીય પગલાં લેવાશે. આ પ્રકારની કડકાઈ નીતીના લીધે કચ્છમાં કન્ટેઈનરોના કન્ટેનરો જે દારૂનો જ્થો ઠલવાતો હતો તેના પર હાલતુરંત બ્રેક લાગી ગઈ છે, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં દારૂ મળવો મુશ્કેલ થઈ ગયો છે, રીતસરની તીવ્ર તંગી સર્જાતી હોવાની હાલત બુટલેગર અને પ્યાસીઓની થવા પામી ગઈ છે. મોટા મોટા બુટલેગરો પર ખાસ વોચ રહેતી હોવાથી તેમની બકરી હાલમાં ડબ્બામાં જ આવી ગઈ છે તો પ્યાસીઓની હાલત પણ કફોડી થઈ રહી છે. જયારે ગાપટા કરનારાઓને બખ્ખા થઈ રહ્યા છે. છુટોછવાયો દારૂ વેચાતો હોય તો જુદી વાત છે બાકી ભાવનગરની ઘટના બાદ ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ જડબેસલાક બંધ કરી દેવાની જ સુચના હોવાથી હાલમાં દારૂ મળવો કપરો બની જવા પામ્યો છે. એટલે ભાવનગરની ઘટના બાદ કચ્છમાં પણ દારૂના વેપલોન લઈને પ્રત્યાઘાતો પડવા પામ્યા છે અને મહદઅંશે હાલમાં દારૂનો વેપલો બંધ જ જેાવા મળી રહ્યો છે. જે મોટી લાઈનથી દારૂ ઠાલવવા જાય છે તે પડકાઈ રહ્યા હોવાની સ્થિતી સર્જાય છે. અજારથી મુંદરા અને ત્યાથી ભુજ જવાનો હતો તે ૧૬ લાખનો દારૂ પ્રાગપર પોલીસે પકડી લીધો છે તે આ વાતનો શ્રેષ્ઠ દાખલો બની રહે તેમ છે. લાઈનનો જે મોટો દારૂ આવતો હતો તેના પર હાલમાં બ્રેક જ લાગેલો જોવાઈ રહ્યો છે.
...........

Comments