કચ્છમાં ૫૦ હજાર ચો.મી.થી વધુ સરકારી જમીન દબાણમુક્ત
વાયોરમાં બીબીમાની દરગાહ અને ખેતરપાળ દાદાની ડેલીનું દબાણ હટાવાયું : રાપરનાં ચિત્રોડ અને મેવાસામાં ૫ ઈંટોના ભઠ્ઠા દૂર કર્યા : પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીનોનો કબજો લેવાયો
ભુજ - કચ્છઉદય : કચ્છમાં સરકારી જમીનો પર થયેલાં ગેરકાયદે દબાણો સામે જિલ્લા વહીવટી તંત્રએ શનિવારે એકસાથે કાર્યવાહી હાથ ધરી હતી. અબડાસા તાલુકાના વાયોર ગામની સીમમાં ધાર્મિક સ્થળોનાં દબાણો દૂર કરાયાં હતાં, જ્યારે રાપર તાલુકાના ચિત્રોડ અને મેવાસા વિસ્તારમાં સરકારી જમીનો પર વ્યાવસાયિક હેતુથી બનાવવામાં આવેલા પાંચ ઈંટોના ભઠ્ઠા દૂર કરાયા હતા. ત્રણેય સ્થળની કાર્યવાહીમાં કુલ ૫૦,૦૦૦ ચો.મી.થી વધુ સરકારી જમીન દબાણમુક્ત કરાવ્યાનો વહીવટી તંત્રનો દાવો છે.
આ જમીનોની અંદાજિત કિંમત રૂ.૬૪.૧૦ લાખ દર્શાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરી જમીનનો સરકારી કબજો લેવામાં આવ્યો હતો. અબડાસા તાલુકાના વાયોર ગામની સીમમાં માર્ગ અને મકાન પંચાયત પેટાવિભાગ, નલિયા હસ્તકના વાયોર - અકરી ફાટક રોડની હદમાં ધાર્મિક હેતુથી દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં બીબીમાની દરગાહ અને ખેતરપાળ દાદાની ડેલીનો સમાવેશ થતો હતો. કુલ ૧૩૫ ચો.મી. જમીન પર દબાણ હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ.૧.૧૦ લાખ દર્શાવાઈ હતી. કલેક્ટર અનિલ રાણાવસિયા અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન પંચાયત વિભાગ, નલિયા દ્વારા વાયોર પોલીસના બંદોબસ્ત સાથે ૨૮ નવેમ્બરે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. ત્યારબાદ જમીનનો સરકારી કબજો લેવામાં આવ્યો હતો.
બીજી તરફ વાયોર પોલીસની પ્રેસનોટમાં બીબીમાની દરગાહના દબાણ અંગે કુલ ૨૨૦ ચો.મી. બાંધકામ દૂર કર્યાનો ઉલ્લેખ છે. પોલીસના જણાવ્યા મુજબ બાંધકામની બજારકિંમત રૂ.૩.૫૦ લાખ અને જમીનની કિંમત આશરે રૂ.૬ લાખ મળી કુલ રૂ.૯.૫૦ લાખનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈની સૂચના અને દેખરેખ હેઠળ વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બારોટની ટીમ જોડાઈ હતી. આર એન્ડ બી વિભાગ તથા અબડાસા તાલુકા વહીવટી તંત્રનો પણ સહયોગ રહ્યો હતો.
બીજી તરફ રાપર તાલુકામાં સરકારી જમીનો પર વ્યાવસાયિક હેતુથી કરવામાં આવેલા દબાણો સામે પણ કાર્યવાહી કરાઈ હતી. ચિત્રોડ અને મેવાસાની સરકારી જમીનો પર કુલ ૪૯,૫૦૦ ચો.મી. વિસ્તારમાં દબાણ હોવાનું સામે આવ્યું હતું. મામલતદાર એચ.બી. વાઘેલા દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત પક્ષકારોને રજૂઆત કરવાની પૂરતી તક આપ્યા બાદ દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ ટાલેના માર્ગદર્શન હેઠળ મામલતદાર એચ.બી. વાઘેલાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા.
આ કામગીરીમાં ચિત્રોડ ખાતે નેશનલ હાઇવે પર ત્રણ સ્થળે અનુક્રમે ૬,૦૦૦, ૧૦,૦૦૦ અને ૧૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં બનાવેલા ઈંટોના ભઠ્ઠા દૂર કરાયા હતા. ચિત્રોડના ખાનપર રોડ પર ૮,૫૦૦ ચો.મી. વિસ્તારમાં બનાવેલો વધુ એક ઈંટનો ભઠ્ઠો દૂર કરાયો હતો. જ્યારે મેવાસા ખાતે નેશનલ હાઇવે પર ૧૫,૦૦૦ ચો.મી. જમીનમાં બનાવેલો ઈંટનો ભઠ્ઠો હટાવવામાં આવ્યો હતો. આ પાંચેય સ્થળની કુલ ૪૯,૫૦૦ ચો.મી. જમીનની કોમર્શિયલ હેતુ માટેની જંત્રી મુજબ કિંમત રૂ.૬૩ લાખ આંકવામાં આવી છે. દબાણો દૂર કર્યા બાદ જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં
આવ્યો હતો.
..............
તંત્રની કાર્યવાહી વચ્ચે આંકડામાં તફાવત નોંધાયો
વાયોરની કામગીરી અંગે માર્ગ અને મકાન વિભાગની પ્રેસનોટમાં ૧૩૫ ચો.મી. જમીન પર દબાણ અને રૂ.૧.૧૦ લાખની કિંમત દર્શાવાઈ છે, જ્યારે વાયોર પોલીસની પ્રેસનોટમાં ૨૨૦ ચો.મી. બાંધકામ તથા જમીન સહિત કુલ રૂ.૯.૫૦ લાખની કિંમત દર્શાવાઈ છે. આમ, બંને વિભાગના આંકડામાં ક્ષેત્રફળ અને કિંમતનો તફાવત જોવા મળે છે. આ અંગે સત્તાવાર સ્પષ્ટતા થવી જરૂરી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.