સરકારી પરિપત્રને ઘોળીને પી જતાં સંચાલકો સામે શિક્ષણ તંત્રની નિષ્ક્રિયતા : શિયાળાની શરૂઆત સાથે જ વાલીઓના ખિસ્સા પર તરાપન : નક્કી કરેલી દુકાનોમાંથી જ સ્વેટર ખરીદવાની ફરજ પાડીને આર્થિક શોષણ કરાતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો : અમુક શાળાઓ તાજેતરમાં ફરી ગણવેશ બદલ્યા તેની નારાજગી સમી નથી ત્યાં સ્વેટરનું ગતડું
ભુજ - કચ્છઉદય : શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાં જ કચ્છભરની અનેક ખાનગી શાળાઓમાં સ્વેટર અને શિયાળુ ગણવેશના નામે વાલીઓનું આર્થિક શોષણ શરૂ થયું હોવાની ઉગ્ર ફરિયાદો સામે આવી છે. શાળા સંચાલકો દ્વારા ચોક્કસ રંગ, ચોક્કસ ડિઝાઈન અને શાળાના લોગો કે નામવાળા સ્વેટર જ પહેરવાનો કડક આગ્રહ રાખવામાં આવતો હોવાથી વાલીઓની ખરીદીની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. એટલું જ નહીં, કેટલીક શાળાઓ દ્વારા નિશ્ચિત દુકાનોમાંથી જ સ્વેટર ખરીદવાની મજબૂરી ઊભી કરાતી હોવાથી વાલીઓમાં ભારે રોષ અને નારાજગી ભભૂકી ઉઠી છે. સામાન્ય સંજોગોમાં ખુલ્લા બજારમાં જુદી-જુદી દુકાનો પર બાળકો માટે વિવિધ ગુણવત્તા અને
વાજબી કિંમતે સ્વેટર ઉપલબ્ધ હોય છે, જેથી વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ અને સગવડ મુજબ ખરીદી કરી શકે. પરંતુ શાળા સંચાલકોની મનમાનીના કારણે વાલીઓ પાસે વિકલ્પો અત્યંત મર્યાદિત બની જાય છે. શાળા દ્વારા નક્કી કરાયેલી દુકાનમાંથી જ ખરીદી કરવાની ફરજ પડતી હોવાથી સ્વેટરની કિંમત અને ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થાય છે. ખુલ્લા બજારમાં સસ્તા દરે મળતા સ્વેટરને બદલે શાળાના નિયમના નામે ઊંચી કિંમત ચૂકવવાની ફરજ પડતી હોવાથી મધ્યમ અને સામાન્ય વર્ગના વાલીઓની કમર તૂટી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કડકડતી ઠંડીના કારણે માન્ય સ્વેટરનો હોવાના કારણે સ્વેટર વગર જ શાળાએ ગયેલા એક માસૂમ બાળકના મોતની કરુણ ઘટના બાદ શિયાળુ વસ્ત્રો અને સ્વેટરના મુદ્દે રાજ્ય સરકાર સફાળી જાગી હતી. તે સમયે શાળાઓ દ્વારા સ્વેટરને લઈને મનસ્વી નિયમો ન લાદવામાં આવે અને વાલીઓને ચોક્કસ સ્થળેથી ખરીદી કરવા દબાણ ન કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા કડક તાકીદ કરાઈ હતી. પરંતુ સમય વીતવા સાથે ફરી એકવાર કેટલીક ખાનગી શાળાઓમાં એ જ જૂની અને શોષણખોર પદ્ધતિ ફરી ધમધમતી થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ અપાયેલી ચેતવણીઓ અને સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાની લાગણી વાલીઓ અનુભવી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા તગડી ફી વસૂલવામાં આવતી હોવા છતાં પાઠ્યપુસ્તકો, નોટબુક્સ, ગણવેશ અને હવે સ્વેટર જેવી પાયાની જરૂરિયાતોના નામે વાલીઓ પર વધારાનો આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે. બાળકને શાળામાં પ્રવેશ અપાવ્યા બાદ દરેક બાબતમાં શાળાના અલિખિત નિયમોને તાબે થવું પડે છે. તેમાં પણ જો ચોક્કસ દુકાનમાંથી જ ખરીદી કરવાની ફરજ પાડવામાં આવતી હોય તો શાળા સંચાલકો અને વેપારીઓ વચ્ચે કોઈ આર્થિક સાંઠગાંઠ કે કમિશનની રમત ચાલી રહી છે કે કેમ, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે.
આ સમગ્ર પ્રકરણમાં શિક્ષણ વિભાગની કામગીરી અને ભૂમિકા પર સૌથી મોટા સવાલો ઊભા થયા છે. માત્ર લેખિત ફરિયાદ આવે તેની રાહ જોવાને બદલે શિક્ષણ વિભાગે ગણવેશ અને સ્વેટરનું વેચાણ કરતી દુકાનોમાં છૂપા વેશમાં કે ગ્રાહક બનીને આકસ્મિક તપાસ કરવી જોઈએ. કઈ શાળાના નામે કેવા પ્રકારના સ્વેટર વેચાય છે, તેના ભાવ કેટલા વસૂલાય છે, વાલીઓને અન્યત્રથી ખરીદી કરવાની છૂટ અપાય છે કે નહીં અને શાળા દ્વારા કોઈ ચોક્કસ વેપારી તરફ વાલીઓને દોરી જવાય છે કે કેમ, તેવી તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. વાલીઓનો સ્પષ્ટ મત છે કે શાળાના ગણવેશમાં એકરૂપતા જળવાય તે હેતુથી ચોક્કસ રંગ કે પ્રકાર નક્કી કરાય તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ તેના આધારે કોઈ ચોક્કસ દુકાનમાંથી જ ખરીદી કરવાની ફરજ શા માટે પાડવામાં આવે છે? જો સમાન રંગ અને પ્રકારના સ્વેટર બજારની અન્ય દુકાનોમાં પણ ઉપલબ્ધ હોય તો વાલીઓને પોતાની પસંદગી અને બજેટ અનુસાર ખરીદી કરવાનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ. શાળાના નિયમોના બહાના હેઠળ વાલીઓને કોઈ એક વેપારીની દુકાન સુધી બાંધી રાખવાની પ્રથા તાત્કાલિક બંધ થવી જોઈએ. હાલ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ફરી શરૂ થવાની સાથે જ સ્વેટરની ખરીદીનો પ્રશ્ન વાલીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. મોંઘવારીના આ કપરા કાળમાં બાળકોના શિક્ષણ પાછળ પહેલેથી જ મોટી રકમ ખર્ચતા વાલીઓ પર આવી વધારાની આર્થિક જવાબદારી ઠોકી બેસાડવી કોઈ પણ રીતે વાજબી નથી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ તત્કાળ તપાસ કરે, ખાનગી શાળાઓને કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપે તેમજ નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઊઠી છે. અગાઉની ઘટના બાદ સક્રિય થયેલું તંત્ર ફરી કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર સ્થિતિ સર્જાય તેની રાહ જોયા વિના અત્યારથી જ સક્રિય થાય તે સમયની માંગ છે.
................
સરકારી પરિપત્ર છતાં શાળાઓની મનમાની યથાવત્...
ઠંડીના દિવસોમાં વિદ્યાર્થીઓને સ્વેટર પહેરવાની બાબતે અગાઉ સર્જાયેલી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારે સ્પષ્ટ પરિપત્ર પ્રસિદ્ધ કરીને શાળાઓને સ્વેટરના નામે વાલીઓને ચોક્કસ દુકાનમાંથી ખરીદી કરવા મજબૂર ન કરવા તેમજ મનસ્વી નિયમો ન લાદવા અંગે કડક આદેશ આપ્યા હતા. આ સરકારી સૂચનાનો મુખ્ય ઉદ્દેશ વાલીઓને ખરીદીની મુક્તિ આપવાનો અને શાળાઓ દ્વારા ગણવેશના નામે ઊભી થતી નાણાકીય હાડમારી અટકાવવાનો હતો. તેમ છતાં કચ્છની કેટલીક ખાનગી શાળાઓમાં સરકારી પરિપત્રના મૂળ હેતુથી વિપરીત અને નિયમો વિરુદ્ધનું વર્તન ચાલી રહ્યું હોવાની ફરિયાદો સતત ઊઠી રહી છે. સવાલ એ છે કે સરકારના પરિપત્રનું કડક પાલન કરાવવાની નૈતિક અને કાયદેસરની જવાબદારી કોની છે? શિક્ષણ વિભાગે અગાઉના પરિપત્રનો વાસ્તવિક અમલ થાય છે કે નહીં તેની સઘન ચકાસણી કરીને નિયમભંગ કરનાર શાળાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.